ઢોલનગારાના તાલે અને શરણાઈના સૂર સાથે લોકોત્સવ ઊજવાયો, નગરવાસીઓ ગરબે ઘૂમ્યા, ભુજ ભારતનું પહેલું એવું શહેર છે જ્યાં તળાવ ભરાતાં જાહેર થાય છે રજા
દેશલસર તળાવને વધાવી રહેલા લોકો.
કચ્છના ભુજ શહેરમાં આવેલાં હમીરસર અને દેશલસર તળાવ ઓગનતાં એટલે કે તળાવ ભરાઈ જતાં ભુજ હિલોળે ચડ્યું હતું. ઢોલનગારાના તાલે અને શરણાઈના સૂર સાથે લોકોત્સવ ઊજવાયો હતો. નગરવાસીઓ ગરબે ઘૂમ્યા હતા અને બન્ને તળાવને શાસ્ત્રોક્ત રીતે વધાવવામાં આવ્યાં હતાં. ભારતમાં ભુજ પહેલું એવું શહેર છે જ્યાં તળાવ ભરાતાં રજા જાહેર થાય છે અને ગઈ કાલે પણ સરકારી કચેરીઓથી લઈને શાળા-કૉલેજો બંધ રહી હતી અને રજા પાળવામાં આવી હતી.
વર્ષ ૧૯૫૩થી ચાલી આવતી રાજવી સંસ્કૃતિ અને લોક પરંપરા પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે હમીરસર તળાવને વધાવવામાં આવે છે. ત્યારે ગઈ કાલે ૨૬મી વખત હમીરસર તળાવ ભરાતાં ભુજમાં પારેશ્વર ચોક, પાવડી ખાતે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડૉ. નિમા આચાર્ય સહિતના મહાનુભાવો અને નગરજનોની ઉપસ્થિતિમાં હમીરસર તળાવને વધાવ્યું હતું. આ ઉપરાંત ભુજમાં આવેલું દેશલસર તળાવ પણ ભરાઈ જતાં ભુજ નગરપાલિકાનાં ઉપપ્રમુખ રેશમા ઝવેરીએ વાજતેગાજતે તળાવનાં નીરને વધાવ્યાં હતાં.
ADVERTISEMENT
ભુજ નગરપાલિકાનાં ઉપપ્રમુખ રેશમા ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભુજનાં બે તળાવ હમીરસર અને દેશલસર તળાવ આ વર્ષે પહેલી વાર છલકાયાં છે. આ બન્ને તળાવો રાજાશાહી સમયનાં છે. ભુજની આસપાસનાં ગામો અને ડુંગર વિસ્તારમાં વરસાદ થાય તો એ વરસાદી પાણી હમીરસર તળાવમાં એકઠું થાય છે. આ વર્ષે આ તળાવ અને દેશલસર તળાવ છલકાઈ ગયાં છે એટલે મુરત કાઢીને એને વધાવવામાં આવ્યાં હતાં. એક પોટલીમાં સોનાનો ચાંદલો, કચ્છની ચાંદીનો સિક્કો, પાંચ રત્નો, ચોખા સહિતની સામગ્રી સાથેની એક પોટલી છાબમાં મૂકીને તળાવના કિનારે જઈને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તળાવને વધાવવામાં આવે છે અને પોટલીનો તળાવમાં ઘા કરવામાં આવે છે.
તરવૈયા એને કાઢે છે અને તેમને ઇનામ અપાય છે.’
રેશમા ઝવેરીએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતમાં ભુજ એક જ એવું શહેર છે જ્યાં તળાવ ભરાતાં કલેક્ટર એક દિવસની રજા જાહેર કરે છે. એ પ્રમાણે ગઈ કાલે સ્કૂલ-કૉલેજો અને કચેરીઓમાં રજા પાળવામાં આવી હતી. આ ઉપરાંત પરંપરા પ્રમાણે હવે કચ્છના દેશી ગોળના મેઘલાડુનું જમણ પણ કરવામાં આવશે.’