વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો થશે શુભારંભઃ દેશભરમાંથી સાધુ-સંતો ભાગ લેવા આવ્યા : ૧૦ લાખથી વધુ ભાવિકો ઊમટશે એવો અંદાજ
જૂનાગઢમાં આવેલું ભવનાથનું મંદિર.
અમદાવાદ : ગુજરાતમાં આજથી ગરવા ગઢ ગિરનારની ગોદમાં શિવ અને જીવના સમન્વયનો સાક્ષાત્કાર કરાવતો ભવનાથનો મેળો શરૂ થશે. આ મેળામાં ભાગ લેવા માટે દેશભરમાંથી સાધુ-સંતો આવ્યા છે. આધ્યાત્મિકતાની અલખ જગાવતા મહાશિવરાત્રિના મેળાનું આગવું મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દેવાધિદેવનાં દર્શન કરવા જૂનાગઢ આવી રહ્યા છે.વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો શુભારંભ થશે. ગિરનારની તળેટીમાં સિંહોની ડણક અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિમાં ભરાતો વિશેષ મેળો આજે ૧૫થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન ભવનાથ ખાતે યોજાશે. આ મેળામાં આધ્યાત્મિકતાની અલખ જગાવવા દેશભરમાંથી સાધુ-સંતો આવી પહોંચ્યા છે. રાવઠીમાં ભજનિકો ભજનની રમઝટ બોલાવશે. દેશભરમાંથી સાધુ-સંતો ઉપરાંત આશરે ૧૦ લાખથી વધુ ભાવિકો ઊમટવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં નાગા સાધુઓનું વિશેષ મહત્ત્વ હોય છે. શિવરાત્રિના દિવસે રાતે નીકળતી રેવડીને લઈને ગઈ કાલે સાધુ-સંતો અને જૂનાગઢ પોલીસ વચ્ચે બેઠક યોજાઈ હતી. મહાશિવરાત્રિના દિને રાતે ૧૦ વાગ્યે રેવડી નીકળશે, જેમાં હજ્જારો સાધુ-સંતો જોડાશે. મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટવાના હોવાથી જૂનાગઢથી ભવનાથ પહોંચવા માટે ૫૬ મિની બસ અને અન્ય સ્થળોએથી મેળામાં આવવા માટે કુલ ૧૭૩ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.