ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી માટે બીજેપીના ૭૯ ઉમેદવાર, કૉન્ગ્રેસના ૬૫ અને આમ આદમી પાર્ટીના ૩૩ ઉમેદવારો કરોડપતિ, ૨૦૧૭ કરતાં ૨૦૨૨ની ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવારો વધ્યા
Gujarat Election
અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના અનિલ વર્મા અને ગુજરાત ઇલેક્શન વૉચના પંક્તિ જોગે ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી હોય, કૉન્ગ્રેસ કે આમ આદમી પાર્ટી, દરેકે કરોડપતિઓને જ ઉમેદવાર બનાવ્યા છે. એટલું જ નહીં, પરંતુ વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરતાં વર્ષ ૨૦૨૨ની આ ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવારો વધ્યા હોવાની વિગતો જાહેર થઈ છે.
ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે પ્રથમ તબક્કાના ઉમેદવારોના ઍફિડેવિટનું વિશ્લેષણ કરીને ઉમેદવારોના ગુનાઇત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત વિશે અહેવાલ જાહેર કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ટિકિટ મેળવવા માટે સામાન્ય માણસથી માંડીને કરોડપતિ વ્યક્તિઓ લાઇનમાં લાગી હતી ત્યારે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારીની લાયકાત કરોડપતિ રાખી હોય એવું ઉમેદવારોના આ અહેવાલ પરથી જણાયું છે. એટલું જ નહીં, પરંતુ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાને બદલે મોટા ભાગે ગુનાઇત ઇતિહાસ ધરાવતા બાહુબલિઓ પર બીજેપી હોય, કૉન્ગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પસંદગીનો કળશ ઢોળ્યો હોય એમ જણાઈ રહ્યું છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી માટે બીજેપીના ૭૯ ઉમેદવાર, કૉન્ગ્રેસના ૬૫ અને આમ આદમી પાર્ટીના ૩૩ ઉમેદવારો કરોડપતિ છે. ૭૩ ઉમેદવારોની સંપત્તિ પાંચ કરોડથી વધુ છે, ૭૭ ઉમેદવારોની સંપત્તિ ૨થી ૫ કરોડ રૂપિયા અને ૧૨૫ ઉમેદવારોની ૫૦ લાખ રૂપિયાથી ૨ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગુજરાતમાં સૌથી વધુ ધનવાન ઉમેદવાર રાજકોટ સાઉથની બેઠક પરથી બીજેપીના ઉમેદવાર રમેશ ટીલાળા છે, જેઓની કુલ ઍસેટસ ૧૭૫ કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે રાજકોટ-ઈસ્ટના કૉન્ગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુ પાસે ૧૬૨ કરોડ રૂપિયાની અને માણાવદર બેઠકના બીજેપીના ઉમેદવાર જવાહર ચાવડાની કુલ ઍસેટસ ૧૩૦ કરોડ રૂપિયાની છે. રાજકોટ-વેસ્ટના અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલની મિલકત ઝીરો દર્શાવી છે તો સૌથી ઓછી આવક ધરાવતા ઉમેદવારોમાં વ્યારા બેઠકના બીએસપીના ઉમેદવાર રાકેશ ગામીતની કુલ ઍસેટસ ૧ હજાર રૂપિયા છે તો ભાવનગર-વેસ્ટનાં અપક્ષ ઉમેદવાર જયા બોરીચાની ત્રણ હજાર રૂપિયા અને સુરત-ઈસ્ટના અપક્ષ ઉમેદવાર સમીર શેખની ૬૫૦૦ રૂપિયા કુલ ઍસેટ્સ છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા ૭૮૮ ઉમેદવારોમાંથી ૧૬૭ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે એ પૈકી ૧૦૦ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયા છે. ૯ ઉમેદવાર સામે મહિલાઓ સામે અત્યાચારના ગુના દાખલ છે. આમ આદમી પાર્ટીના ૩૨, કૉન્ગ્રેસના ૩૧, બીજેપીના ૧૪ અને બીટીપીના ૪ ઉમેદવારો પર ગુના દાખલ થયા છે. ત્રણ ઉમેદવાર સામે મર્ડરને લગતા તેમ જ ૧૨ ઉમેદવાર સામે અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયા છે. ગુજરાતનાં ૨૫ વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે એટલે આ ૨૫ વિધાનસભા મતક્ષેત્રને રેડ અલર્ટ મતક્ષેત્ર કહેવામાં આવ્યાં છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૫૩ ઉમેદવારોને લખતાં-વાંચતાં આવડે છે, જ્યારે ૩૭ ઉમેદવારો નિરક્ષર છે. ૪૯૨ ઉમેદવારોનું શિક્ષણ ધોરણ ૫થી ૧૨ સુધીનું છે. ૧૮૫ ઉમેદવારો ગ્રૅજ્યુએટ છે અને ૨૧ ડિપ્લોમા-હોલ્ડર છે.
૨૭૭ ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષના, ૪૩૧ ઉમેદવારો ૪૧થી ૬૦ વર્ષના, ૭૯ ઉમેદવારો ૬૧થી ૮૦ વર્ષના અને એક ઉમેદવાર ૮૦ વર્ષથી ઉપરના છે.
પ્રથમ તબક્કમાં કુલ ૭૮૮ ઉમેદવારોમાંથી ૬૯ મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.