ગિરનાર દરવાજાથી ભવનાથ વિસ્તાર સુધી શૉર્ટ્સ, બરમૂડા, મિની સ્કર્ટ, ફાટેલું જીન્સ અને કેપ્રી પૅન્ટ જેવો પોશાક પહેરીને દર્શન કરવા માટે આવતા સહેલાણીઓ અને ભાવિકો પર બૅન મૂકવાની થઈ ડિમાન્ડ
ગિરનાર
મુંબઈ : જૂનાગઢમાં આવેલા ગિરનાર દરવાજાથી ભવનાથ વિસ્તાર સુધી ટૂંકાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી જૂનાગઢ જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ કરી છે. હિતેશ સંઘવીએ કહ્યું હતું કે ‘સનાતન ધર્મની સંસ્કૃતિની રક્ષા કરવા માટે હિન્દુ મંદિરો હોય કે જૈનોનાં દેરાસરો, આ ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા ભાવિકો હોય કે સહેલાણીઓ, તેમણે માથું ઢાંકેલો શિષ્ટતાપૂર્વકનો પોશાક પહેરવો જોઈએ. આજના સમયમાં ગિરનાર પર મા અંબાજીનાં દર્શન કરવા માટે આવતા સહેલાણીઓ અને ભાવિકો રોપવેમાં શૉર્ટ્સ, બરમૂડા, મિની સ્કર્ટ, ફાટેલું જીન્સ અને કેપ્રી પૅન્ટ જેવા પોશાક પહેરીને આવે છે. એના પર પહેલાં મંદિરના વ્યવસ્થાપકોએ અને તેમને સહયોગ કરવા સરકારે મંદિરના પરિસરમાં ટૂંકાં વસ્ત્રો પહેરવા પર તરત જ અમલમાં આવે એવી રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ.’
હિતેશ સંઘવીએ તેમની આ માગણીને સહયોગ આપવા માટે અંબાજીના મહંત તનસુખગિરિ બાપુ, જાગનાથ મહાદેવ મંદિરના નૈષધ જોબનપુત્રા અને સ્વામીનારાયણ મંદિરના અક્ષરપુરુષોત્તમના મહંતને પત્ર લખીને વિનંતી કરી છે.
ઉત્તરાખંડમાં ૮૦ ટકા મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરના પરિસરમાં જવા પર પ્રતિબંધ છે એવી માહિતી આપતાં હિતેશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૧૧૪ મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવા પર પ્રતિબંધ છે. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી મંદિરના વહીવટી તંત્રે વર્ષોથી ભક્તો માટે ડ્રેસ-કોડ બનાવ્યો છે અને ટૂંકાં કપડાં પહેરેલા લોકોના પ્રવેશને મનાઈ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના સોમનાથ મંદિરના ૨૦૦ મીટરના અંતરમાં પુરુષોને કે મહિલાઓને ટૂંકાં વસ્ત્રોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરદેશથી આવતા મુલાકાતીઓ માટે પણ કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી. મહિલાઓએ ફુલ ડ્રેસ પહેર્યો હોય તો પણ એના પર દુપટ્ટા વગર પ્રવેશ આપવામાં આવતો નથી. જમ્મુ અને કાશ્મીરમાં બાવેવાલી માતા મંદિરના મૅનેજમેન્ટે તાજેતરમાં મંદિરના પ્રવેશ માટે ડ્રેસ-કોડ રજૂ કર્યો હતો, જેમાં મુલાકાતીઓને તેમનું માથું ઢાંકીને શિષ્ટતાપૂર્વકના પોશાક પહેરવા જણાવીને પરિસરમાં શૉર્ટ્સ, મિની સ્કર્ટ, ફાટેલું જીન્સ અને કેપ્રી પૅન્ટ જેવા પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ ભારતનાં ૩૦૦ મંદિરોમાં ભક્તો પર ડ્રેસ-કોડ લાગુ કરી રહ્યો છે.’
આપણી આર્ય સંસ્કૃતિ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આના પર જ ટકી રહી છે એમ જણાવતાં હિતેશ સંઘવીએ કહ્યું હતું કે ‘હમણાં મારી નાદુરસ્ત તબિયતને કારણે મારે ગિરનાર તીર્થ પર્વત પર જવા માટે રોપવેનો ઉપયોગ કરવો પડ્યો ત્યારે સહેલાણીઓના ડ્રેસ જોઈને હું સમસમી ગયો હતો. મારા હૃદયમાં અરેરાટી વ્યાપી ગઈ. રોપવેમાં મા અંબાજીનાં દર્શન કરવા માટે આવેલા સહેલાણીઓ વલ્ગર વસ્ત્રો પહેરીને આવતા હતા ત્યારે મને મહાભારતની એક વાત યાદ આવી ગઈ. મહાભારતમાં દુર્યોધન પોતાની માતાની દૃષ્ટિનું વરદાન નગ્ન સ્વરૂપે લેવા જતો હતો ત્યારે વાસુદેવ શ્રીકૃષ્ણે દુર્યોધનને રોકીને કહ્યું હતું કે સગી મા પાસે જવું હોય તો પણ મર્યાદામાં જવું જોઈએ. આમાં કોઈ કૂટનીતિ નહોતી, પણ દુર્યોધનને જોઈને લોકો તેનું અનુકરણ ન કરે એટલા માટે તેને શ્રીકૃષ્ણએ સલાહ આપી હતી.’
જો સગી માતા સામે નગ્ન ન જવાય તો મા અંબાજીનાં દર્શન કરવા માટે ટૂંકાં વસ્ત્રોમાં કેવી રીતે જવાય? આ સવાલ કરતાં હિતેશ સંઘવીએ કહ્યું હતું કે ‘જૈન સમાજની રીતે જૂનાગઢ ૨૨,૦૦૦ વર્ષ જૂનું શહેર છે, જ્યારે સનાતન ધર્મ પ્રમાણે જૂનાગઢ ૫,૦૦૦ વર્ષ જૂનું શહેર છે. આવા ઐતિહાસિક શહેરમાં જૈનો અને હિન્દુઓનાં સેંકડો મંદિરો છે. આવા શહેરમાં સંસ્કૃતિનું વસ્ત્રોને કારણે વિકૃતિમાં પરિવર્તન થાય એ કેમ કરીને સહન થાય? ટૂંકાં વસ્ત્રોથી ધર્મની મહત્તા ઘટે છે. મોટા ભાગનાં દેરાસરોમાં તો શિષ્ટાચારી વસ્ત્રોમાં જ ભાવિકોને પ્રવેશ આપવાનાં બોર્ડ ટૂંક સમયમાં લાગી જશે. એની સાથે પ્રશાસને જૂનાગઢના ગિરનાર દરવાજાથી ભવનાથ વિસ્તાર સુધી ટૂંકાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકાવાવો જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

