અમદાવાદ, સુરત અને રાજકોટમાં યોજાશે દરબાર : ગુજરાતયાત્રા શરૂ થાય એ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઊઠ્યા વિરોધના સૂર
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
બહુચર્ચિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે તેમની ગુજરાતયાત્રા શરૂ થાય એ પહેલાં જ તેમના દરબાર સામે વિરોધના સૂર ઊઠ્યા છે. રાજકોટની સહકારી બૅન્કના સીઈઓ તેમ જ વિજ્ઞાન જાથાએ દરબાર સામે પ્રશ્નો ઉઠાવીને રાજકોટમાં યોજાનારા કાર્યક્રમ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં પહેલા સુરત અને ત્યાર બાદ અમદાવાદ આવવાના છે. એ પછી જૂન મહિનાની શરૂઆતમાં બે દિવસ રાજકોટ આવશે. તેઓ સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈને વિરોધ ઊઠ્યો છે. રાજકોટના અગ્રણી અને રાજકોટ કમર્શિયલ કો-ઑપરેટિવ બૅન્કના સીઈઓ પુરુષોત્તમ પિપળિયાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન કર્યો છે કે ‘ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોણ મગાવે છે એ જાહેર કરો.’ આ ઉપરાંત સૂચન કર્યું છે કે ‘સિદ્ધિનો રાષ્ટ્રના હિતમાં ઉપયોગ કરવો જોઈએ.’ તેઓએ તો પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાની વાત પણ કરી છે. બીજી તરફ વિજ્ઞાન જાથાએ પણ બાગેશ્વરધામના કાર્યક્રમને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.