છઠ્ઠી ડિસેમ્બરે મળેલી કાર્યવાહક સમિતિમાં આ નિર્ણય લેવાયો હતો.
મોહન પરમાર અને રામ મોરી
અમદાવાદ : ગઈ કાલે ગુજરાત સાહિત્ય ઍકૅડેમી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને વર્ષ ૨૦૨૧નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. છઠ્ઠી ડિસેમ્બરે મળેલી કાર્યવાહક સમિતિમાં આ નિર્ણય લેવાયો હતો. વાર્તાકાર મોહન પરમારે કહ્યું હતું કે એક સાહિત્યકાર જ્યારે સતત સાહિત્ય સર્જન કરતો હોય ત્યારે જ તેને અવૉર્ડ આપવો જોઈએ, તો તેને પ્રોત્સાહન મળે. ગુજરાતી વાર્તાના ૧૯૮૦ બાદ અન-આધુનિક વહેણ શરૂ કરવામાં મોહન પરમાર અગ્રેસર રહ્યા હતા. હાલ પણ તેઓ સક્રિય છે. હાલ જેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે તેમને પણ સરકારે સન્માન આપવું જોઈએ. એવું તેમનું માનવું છે.
ગુજરાતી સાહિત્ય ઍકૅડેમી દ્વારા રામ મોરીને વર્ષ ૨૦૨૧નો યુવા ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. વાર્તાકાર ઉપરાંત તેમણે ત્રણ ગુજરાતી ફિલ્મો પણ લખી છે. આ અવૉર્ડ વિશે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે સાહિત્ય પ્રત્યેની જવાબદારી વધી છે. મને એ વાતનો આનંદ છે કે મારી વાત બરાબર પહોંચી છે. હવે મારે વધુ સજાગતાથી લખવું પડશે.’ નવા વાર્તાલેખકોને આપેલા સંદેશમાં તેમણે કહ્યું હતું કે આપણે આપણા વારસાને પહેલો વાંચવો જોઈએ. ભલે પછી કંઈક નવું કરવાની આપણી ઇચ્છા હોય.’