બનાસકાંઠાના ૫૪ ગામ આંજણા ચૌધરી સમાજ મંડળે આટલું જ નહીં; બર્થ-ડેએ કેક નહીં કાપવાનો, લગ્નપ્રસંગમાં પત્રિકા સાદી છપાવવા સહિત અનેક નિર્ણય લીધા
૫૪ ગામ આંજણા ચૌધરી સમાજ મંડળની બેઠક
સામાજિક સુધારા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની બેઠકમાં ૫૪ ગામ આંજણા ચૌધરી સમાજ મંડળે આવકારદાયક પહેલ કરીને યુવાનો ફૅશનેબલ દાઢી રાખશે તો ૫૧ હજાર રૂપિયાનો દંડ, લગ્નપ્રસંગમાં પત્રિકા સાદી છપાવવી, ફટાકડા લિમિટમાં ફોડવાનો નિર્ણય કરવા ઉપરાંત વ્યસનમુક્ત સમાજ કરવા માટે મરણપ્રસંગે અફીણપ્રથા બંધ કરવી પડશે નહીં તો ૧ લાખ રૂપિયા દંડ કરવા માટેનો નિર્ણય સર્વસંમતિથી કરાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રવિવારે સમાજનાં વડીલો અને યુવાનોની સમાજસુધારણા માટે મીટિંગ યોજાઈ હતી, જેમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના મંત્રી દિનેશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે જૂના રિવાજો અને રૂઢિઓ છે એમાં એવો બદલાવ લાવીએ કે એનાથી સમય બચે, ખર્ચ બચે અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ થાય એવો હેતુ આ નિર્ણયો લેવા પાછળનો છે. લગ્ન અને મરણના સામાજિક રીતે નવા-નવા ખર્ચા વધતા હોય છે ત્યારે એમાં કાપ મૂકીને આવનારી પેઢી માટે પૉઝિટિવ સંદેશ જાય એવો હેતુ છે અને ૫૪ ગામ આંજણા ચૌધરી સમાજે આ નિર્ણયો કર્યા છે. એક નિર્ણય કર્યો છે કે યુવાનોએ ફૅશનેબલ દાઢી ન રાખવી. જે રાખશે તેને ૫૧,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ વાત ખુદ યુવાનોએ ઉપાડી હતી. બધા યુવાનો દાઢી નથી રાખતા, પણ જે યુવાનો દાઢી રાખે છે તેના માટે આ સંદેશ છે. આવું ન હોવું જોઈએ. આપણા ધર્મ અને કલ્ચરલ ઍક્ટિવિટીનું ધ્યાન રાખવું જોઈએ. દાઢી રાખવાથી શું સાબિત કરવા માગીએ છીએ. એને બદલે તમે કપાળે ટિળક કરો. દરેક સમાજમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ છે. આ વેસ્ટર્ન કલ્ચર છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણા જીવનમાં ન હોવું જોઈએ. સમાજે એવો પણ નિર્ણય કર્યો છે કે જન્મદિવસે કેક ન કાપવી. હા, તમે બર્થ-ડે જરૂરથી ઊજવી શકો છો; એની ના નથી, પણ શાસ્ત્રોમાં ક્યાં લખ્યું છે કે કેક કાપવી. તમે ગૌશાળામાં જઈને ગાયોને ઘાસચારો નાંખો, જરૂરિયાતમંદોને મદદ કરો, બાળકોને પુસ્તકો–પેન્સિલ આપો એવો હેતુ છે.’
સમાજે નક્કી કર્યું છે કે મરણપ્રસંગે અફીણ બંધ કરવામાં આવે. જે ચાલુ કરશે તેને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. એ વિશે વાત કરતાં દિનેશ ચૌધરીએ કહ્યું હતું કે ‘અમે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા માગીએ છીએ. આ વાત એક વડીલે મૂકી હતી. આ કોઈ જૂની પ્રથા હશે, પણ આ પ્રતિબંધિત વસ્તુ છે એટલે એ અટકે એ જરૂરી છે. વ્યસનમુક્ત સમાજ કરવાની વાત છે. સમાજનાં વડીલો, આગેવાનો અને યુવાનોએ સૌએ સાથે મળીને સમાજસુધારણા માટે આ નિર્ણયો કર્યા છે.’
સમાજે જે નિર્ણયો કર્યા છે એમાં લગ્નપ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ભોજનસમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવાનું અને પીરસવા માટે ભાડૂતી માણસો ન લાવવા, દીકરીને પેટી ભરવામાં ૫૧,૦૦૦થી વધારે ન ભરવી, મામેરું ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવાં. સસરાના ઘરનાં કપડાં રૂમમાં પહેરીને બહાર આવવું. મામેરામાં ઘડા ભરીને મીઠાઈ આપવાની પ્રથા બંધ કરવી. લગ્નપ્રસંગમાં વોનોળાપ્રથા બંધ કરવી. સન્માન સાલ, પાઘડી, વીંટી કે ભેટથી ન કરવું. ઢૂંઢ પ્રસંગે જમણવાર ન કરવા તથા ઢૂંઢ (પતાસાં) બંધ કરવા. મરણપ્રસંગે વરાડ ૧૦ રૂપિયા જ લેવા તેમ જ પાછળથી પણ ૧૦ રૂપિયા જ લેવા. મરણપ્રસંગે બહેનોએ રૂપિયા ન લેવા કે ન દેવા. મરણપ્રસંગમાં બારમા દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહીં. મરણપ્રસંગમાં પાછળથી રાખવામાં આવતુ રાવણું (હાકો) બંધ કરવા સહિતના સુધારાઓ સમાજના પંચો, વડીલો, આગેવાનો તેમ જ યુવાનોએ સર્વસંમતિથી ઠરાવ કરીને પસાર કર્યા હતા.