અમૂલ માટે અટરલી બટરલી મૅસ્કૉટ બનાવનાર સિલ્વેસ્ટર દાકુન્હાના એ મૅસ્કૉટ પરથી દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં અઢળક કંપનીઓએ મૅસ્કૉટ બનાવ્યા
સિલ્વેસ્ટર દાકુન્હાના
અટરલી બટરલી ડિલિસિયસ. આ કૅચલાઇન આંખ સામે આવે કે બીજી જ ક્ષણે આંખ સામે બ્લુ હેર અને ચબ્બીચિક્સ ધરાવતી પોલકા ડૉટની પૅટર્નવાળું ફ્રૉક પહેરીને ઊભેલો અમૂલનો મૅસ્કૉટ યાદ આવી જાય. ૧૯૬૬માં દેશને અમૂલગર્લ આપીને અમૂલ બ્રૅન્ડને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી દેનારા સિલ્વેસ્ટર દાકુન્હાનું ૮૦ વર્ષની વયે બુધવારે મુંબઈમાં અવસાન થયું. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એક મૅસ્કૉટ લાંબો સમય સુધી કંપનીની બ્રૅન્ડ સાથે જોડાયેલો રહ્યો, પણ સિલ્વેસ્ટર દાકુન્હાની અમૂલગર્લ એ જશ ધરાવે છે. તેણે ઑલમોસ્ટ પ૭ વર્ષ સુધી આ રાજ ભોગવ્યું અને આજે પણ તે કૅમ્પેનમાં જોવા મળે છે. દેશની જાણીતી ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી માર્ચિંગ એન્ટ્સના ક્રીએટિવ હેડ રાજીવ ચુડાસમાએ કહ્યું કે ‘અમૂલગર્લની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ફૅમિલિયર લાગે છે. મા જુએ તો તેને એ મૅસ્કૉટમાં દીકરી દેખાય, તો દીકરી જુએ તો તેને પોતાની ફ્રેન્ડ દેખાય. ભાગ્યે જ આવો ફૅમિલિયર મૅસ્કૉટ ડેવલપ થાય, પણ સિલ્વેસ્ટર સરે એ ડેવલપ કર્યું. અમૂલગર્લ ડેરી પ્રોડક્ટમાં એવી પૉપ્યુલર થઈ કે દુનિયાની અનેક કંપનીઓએ મૅસ્કૉટ ડેવલપ કર્યા, પણ એ બધા મૅસ્કૉટમાં ક્યાંક ને ક્યાંક અમૂલગર્લની સીધી અસર દેખાતી હતી.’
અમૂલનું બ્રૅન્ડિંગ કર્યા વિના પણ જો અમૂલગર્લ મૂકવામાં આવે તો અભણને પણ ખબર પડી જાય કે આ અમૂલની જાહેરખબર છે એ સ્તરે લોકોના માનસમાં સ્થાન ડેવલપ કરનાર અમૂલગર્લના જનક સિલ્વેસ્ટર દાકુન્હાએ એ સમયે અમૂલની કટ્ટર હરીફ એવી પોલ્સન ડેરીની બટરગર્લ સામે આ કૅરૅક્ટર ડેવલપ કર્યું અને નખરાં કરી મોઢામાંથી જીભ બહાર કાઢી હોઠ પર ફેરવતી અમૂલગર્લ સૌકોઈના દિલમાં ઘર કરી ગઈ. અમૂલગર્લના કૉસ્ચ્યુમથી લઈ તેની બૉડી-લૅન્ગ્વેજ અને હેરસ્ટાઇલ સુધ્ધાં સિલ્વેસ્ટર દાકુન્હાનો વિચાર હતો. એ દિવસોમાં આઉટડોર પબ્લિસિટી વધુ થતી હોવાથી દૂરથી પણ મૅસ્કૉટ દેખાય અને બ્રૅન્ડ યાદ આવી જાય એવા હેતુથી સિલ્વેસ્ટર દાકુન્હાએ અમૂલગર્લ ડેવલપ કરી હતી.