કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ઉદ્ઘાટન કર્યું : ૧૧૦૦ રૂમમાંથી ૫૦૦ ઍર-કન્ડિશન્ડ અને ૪૫ સ્વીટ રૂમો
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં બનેલું યાત્રિક ભવન.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનદાદાના મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું એવું સૌથી વધુ ૧૧૦૦ રૂમો ધરાવતું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ગઈ કાલથી ખુલ્લું મુકાયું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આ યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનદાદાના દરબારમાં જઈને શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ તબક્કે તેમણે શોડ્ષોપચાર પૂજા પણ કરી હતી. અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે ‘મારી વાત કરું તો મારા જીવનમાં જ્યારે મુશ્કેલી અને ચિંતા આવી ત્યારે દાદા સમક્ષ શીશ ઝુકાવ્યું અને એ ચિંતા-મુશ્કેલી દૂર થઈ છે. દૂર-દૂરથી દાદાનાં દર્શન માટે આવતા લોકો માટે ગોપાળાનંદ સ્વામીના નામથી બનેલા આ યાત્રિક ભવનમાં રોકાઈને દાદાનાં દર્શનનો લહાવો લઈ શકશે.’
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આ યાત્રિક ભવનનું લાેકાર્પણ કર્યું હતું.
દેશ-વિદેશથી હનુમાનદાદાનાં દર્શન કરવા આવતા ભક્તો માટે બનાવેલું આઠ માળનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ૨૦ વીઘા જમીનમાં બનાવ્યું છે. ૧૦૮ ફુટ ઊંચું આ બિલ્ડિંગ ૩૪૦ કૉલમ પર ઊભું કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડિંગનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઇલનું છે. ઍરપોર્ટ લાઉન્જથી પણ વિશેષ રીતે રિસેપ્શન બનાવ્યું છે. યાત્રિકો માટે ૧૦૦૦થી વધુ રૂમ રહેશે જેમાં ૫૦૦ ઍર-કન્ડિશન્ડ, ૩૦૦ નૉન-ઍર-કન્ડિશન્ડ રૂમ તેમ જ ૪૫ સ્વીટ રૂમ પણ છે. એક રૂમમાં પાંચ વ્યક્તિ રહે એવી ૧૦૦૦ રૂમો બનાવી છે. આ બિલ્ડિંગમાં સીડી ઉપરાંત ૧૦ હાઇસ્પીડ એલિવેટર છે. ૨૫૦૦થી વધુ કાર, ૧૦૦૦ ટૂ-વ્હીલર તેમ જ ૫૦ બસ પાર્ક થઈ શકે એટલું મોટું પાર્કિંગ બનાવ્યું છે.
અમિત શાહે સાળંગપુરમાં હનુમાનદાદા સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને દર્શન કર્યાં હતાં.
આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ અમિત શાહને હનુમાનજદાદાની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી.