પોષી પૂનમે ગબ્બર પરના મંદિરમાંથી જ્યોત નિજ મંદિર લઈ જવાઈ અને માતાજીની શોભાયાત્રા નીકળી : ૨૧૦૦ કિલોગ્રામ સુખડીનો પ્રસાદ વહેંચાયો
અંબાજીના ચાચરચોકમાં યજ્ઞ યોજાયો હતો.
પોષી પૂનમે ગબ્બર પરના મંદિરમાંથી જ્યોત નિજ મંદિર લઈ જવાઈ અને માતાજીની શોભાયાત્રા નીકળી : ૨૧૦૦ કિલોગ્રામ સુખડીનો પ્રસાદ વહેંચાયો : ગઈ કાલે રાતે અંબાજીમાં ઘરે-ઘરે દીવા પ્રગટ્યા : શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિએ મંદિરને વિવિધ પ્રકારનાં શાકભાજીનો શણગાર કરાયો
ઉત્તર ગુજરાતમાં આવેલા શ્રદ્ધા અને આસ્થાના મુકામસમા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે પોષી પૂનમે આદ્યશક્તિ જગદ જનની અંબે માતાના પ્રાગટ્યદિનની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને લાખો માઈભક્તોએ માતાજીના શરણે જઈને, શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી. માતાજીના આ વિશેષ દિવસે રાતે અંબાજીના રહીશોએ ઘરે-ઘરે દીવા પ્રગટાવ્યા હતા જેના પગલે અંબાજી જળહળી ઊઠ્યું હતું.
ADVERTISEMENT
અંબાજી-ગબ્બર પર આવેલા મંદિરના મહારાજ ગિરીશ લોઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગબ્બર પર આવેલા મંદિરે ચૌદશની રાતે ૧૨ વાગ્યે માતાજીની મહાઆરતી યોજાઈ હતી અને પોષી પૂનમે માતાજીનો પ્રાગટ્યદિન હોવાથી રાતથી જ માઈભક્તો ગબ્બર-મંદિરે દર્શન કરવા આવવા માટે શરૂ થઈ ગયા હતા. આમ રાતથી જ માતાજીનો પ્રાગટ્યદિન ઊજવવાનો શરૂ થઈ ગયો હતો. ગઈ કાલે સવારે ગબ્બર પરના મંદિરની જ્યોતમાંથી જ્યોત લઈને નીચેના મંદિરે લઈ જવાઈ હતી અને ત્યાર બાદ શોભાયાત્રા યોજાઈ હતી.’
શાકંભરી નવરાત્રિની વાત કરતાં ગિરીશભાઈએ કહ્યું હતું કે ‘પોષી પૂનમના દિવસે શાકંભરી ઉત્સવ ઊજવાય છે. આ દિવસે શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે. શાકંભરી નવરાત્રિ એ ગુપ્ત નવરાત્રિ છે અને એ પોષ સુદ આઠમથી પૂનમ સુધી હોય છે. શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિએ મંદિરે ટમેટાં, બટાટા, ભુટ્ટા, રીંગણ, ફ્લાવર, ભાજી સહિતનાં વિવિધ શાકભાજી તેમ જ બીટ, સિમલા મરચાં, લીંબુનો શણગાર કરવામાં આવ્યો હતો.’
અંબાજી-ગબ્બર પર આવેલા માતાજીના મંદિરની જ્યોત અને મંદિરની આસપાસ શાકભાજીનો શણગાર.
માતાજીના પ્રાગટ્યદિને ગઈ કાલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી મંદિરના ચાચરચોકમાં મહાશક્તિ યજ્ઞ કરાયો હતો, જેમાં ૧૦૦ જેટલા યજમાનોએ વિશ્વકલ્યાણ અર્થે આહુતિ આપી હતી. ગુજરાત સરકારના ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતે યજ્ઞમાં આહુતિ આપીને આરતી ઉતારી હતી. ગબ્બર પરથી અંબાજી મંદિરે જ્યોત લાવીને શક્તિદ્વારે આરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ અંબાજીનગરમાં જ્યોતયાત્રા સાથે માતાજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમ્યાન માર્ગ પર માઈભક્તોમાં ૨૧૦૦ કિલોગ્રામ સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.