૫૧ શક્તિપીઠ પર ૫૧ ધજા ચડાવીઃ એક જ સ્થળે ૫૧ શક્તિપીઠની પરિક્રમાનો લહાવો મળતાં માઈભક્તોમાં હરખની હેલી
અંબાજી ગબ્બરની ફરતે પરિક્રમા માર્ગ પર માતાજીની પાદુકાયાત્રા યોજાઈ હતી.
અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં શરૂ થયેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં એક લાખથી વધુ માઈભક્તોએ ગબ્બર ફરતે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં, ગઈ કાલે પહેલી વાર મંદિરમાંથી માતાજીનાં ચરણની પાદુકા બહાર લવાઈ હતી અને પાદુકાયાત્રા યોજાઈ હતી.
અંબાજીમાં પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગઈ કાલે ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની પાદુકાયાત્રા યોજવામાં આવી હતી. સંઘના પ્રતિનિધિઓ અંબાજી માતાજીના મંદિરનાં માતાજીની ચરણપાદુકા પહેલી વાર બહાર લાવ્યા હતા અને એની પૂજાઅર્ચના કરીને એની પવિત્રતા જાળવતાં ૫૧ શક્તિપીઠની ફરતે પાદુકાયાત્રા યોજી હતી. ૧૫૦૦ સંઘોના પ્રતિનિધિઓએ પાદુકાયાત્રામાં જોડાઈને ૫૧ શક્તિપીઠ પર ૫૧ ધજા ચડાવી હતી. પાદુકાયાત્રામાં માઈભક્તોએ બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષ કરતાં વાતાવરણમાં અલગ માહોલ રચાયો હતો.
અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે દેશવિદેશથી ભાવિકો આવી રહ્યા છે. ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪૫ હજાર માઈભક્તોએ અને પહેલા દિવસે ૫૫ હજાર માઈભક્તોએ પરિક્રમા કરી હતી. એક જ સ્થળે ૫૧ શક્તિપીઠની પરિક્રમાનો લહાવો મળતાં માઈભક્તોમાં હરખની હેલી છવાઈ હતી.