અમલસાડનાં ચીકુનો અસાધારણ સ્વાદ, નરમ માવો અને ગુણવત્તાના આધારે આપવામાં આવી માન્યતા
દક્ષિણ ગુજરાતના અમલસાડમાં પાકતાં અમલસાડી ચીકુ GI ટૅગથી સન્માનિત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં ફળોની ખેતી મોટા પાયે થાય છે અને એની દેશ-વિદેશમાં નિકાસ પણ થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના અમલસાડમાં પાકતાં અમલસાડી ચીકુ GI ટૅગથી સન્માનિત થયાં છે. જ્યૉગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટૅગ મેળવનાર દક્ષિણ ગુજરાતની આ પ્રથમ કૃષિ પેદાશ છે.
GI ટૅગ એ વિશિષ્ટ ભૌગોલિક ઓળખ છે જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારનાં પ્રમાણભૂત ગુણવત્તાવાળાં અને પરંપરાગત ઉત્પાદન, સેવા કે કળાને ઓળખ આપે છે. આ માન્યતા અમલસાડનાં ચીકુના અસાધારણ સ્વાદ, નરમ માવા અને ગુણવત્તાના આધારે આપવામાં આવી છે. ચેન્નઈની GI રજિસ્ટરી દ્વારા આ માન્યતા આપવામાં આવી છે.
ADVERTISEMENT
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે કહ્યું હતું કે ‘આ પ્રસંગ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક છે. અમલસાડનાં ચીકુ દાયકાઓથી અહીંના અર્થતંત્રનો અભિન્ન ભાગ રહ્યાં છે. આ ટૅગથી દેશમાં અને વિદેશમાં પણ આ ચીકુની આગવી ઓળખ ઊભી થશે.’

