અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા માટે નવા બનાવેલા રથમાં સ્ટિયરિંગ ફિટ કરી ચેકિંગ કરાયું, ૨૦ જૂને હર્ષોલ્લાસ સાથે યોજાશે રથયાત્રા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આ વર્ષે નવા રથ બનાવાયા છે ત્યારે રથમાં સ્ટિયરિંગ ફિટ થતાં એની ચકાસણી ગઈ કાલે હાથ ધરાઈ હતી. તસવીર જનક પટેલ.
ગુજરાતના અમદાવાદમાંથી નીકળતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ભગવાન માટે આ વર્ષે નવા બનાવેલા રથમાં સ્ટિયરિંગ ફિટ થતાં ગઈ કાલે એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ૭૫ વર્ષ બાદ પ્રભુ નવા રથમાં બિરાજશે. આ વખતે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નવા રથમાં બેસીને નગરયાત્રા કરશે. અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિર અખાત્રીજના પર્વ પર રથપૂજન થયું હતું અને એ સાથે જૂન મહિનામાં યોજાનારી ૧૪૬મી રથયાત્રાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ હતી. રથમાં સ્ટિયરિંગ ફિટ થતાં રથ ખેંચતા ખલાસીભાઈઓએ રથના સ્ટિયરિંગની ટ્રાયલ કરી હતી અને રથ ટર્ન લઈ શકે છે કે કેમ એ સહિતનું ચેકિંગ કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે બીજેપીનું ખુલ્લેઆમ સમર્થન
જગન્નાથજી મંદિરના મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગામી ૨૦ જૂને રથયાત્રા યોજાવાની છે અને ચોથી જૂને જળયાત્રા યોજાશે. આ વર્ષે ભગવાન નવા રથમાં બિરાજમાન થશે. આ રથમાં સ્ટિયરિંગ ફિટ કરાયું હતું અને એ યોગ્ય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી હતી. ભગવાનના ત્રણેય રથ સંપૂર્ણ રીતે તૈયાર થતાં હજી દસેક દિવસનો સમય લાગશે અને ત્યાર બાદ એની ટ્રાયલ યોજાશે.’