અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાઇલટ પ્રોજેક્ટમાં રખડતી ગાયો પૈકી પચીસ ગાયના ગળામાં પહેરાવ્યાં સ્માર્ટ નેક બેલ્ટ ડિવાઇસ : વેટરિનરી ડૉક્ટરો કરશે નિરીક્ષણ : ૧૫ દિવસે ઍનૅલિસિસ કરીને અપાશે રિપોર્ટ
ગાયોને પહેરાવવામાં આવેલા સ્માર્ટ નેક બેલ્ટ.
ગુજરાતના અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશને ગાયોના આરોગ્યને લઈને એક સ્તુત્ય કદમ ઉઠાવ્યું છે. પહેલી વાર ગાયોના આરોગ્યનું રિયલ ટાઇમ મૉનિટરિંગ કરવામાં આવશે. આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રખડતી ગાયોને પકડીને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ગૌશાળામાં લાવવામાં આવે છે. એ ગાયો પૈકીની પચીસ ગાયના ગળામાં સ્માર્ટ નેક બેલ્ટ ડિવાઇસ પહેરાવ્યાં છે. વેટરિનરી ડૉક્ટરો એનું મૉનિટરિંગ કરશે અને ૧૫ દિવસે ઍનૅલિસિસ કરીને રિપોર્ટ આપશે જેના આધારે ગાયોની સારવાર કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૅટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ઑફિસર નરેશ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉર્પોરેશનની ગૌશાળા કરુણા મંદિરમાં રખાતી ગાયો પૈકી અત્યારે પાઇલટ પ્રોજેક્ટમાં પચીસ ગાયોના ગળામાં સ્માર્ટ નેક બેલ્ટ પહેરાવ્યા છે જેમાં એક ડિવાઇસ ફિટ કર્યું છે. આયુષ્માન કાઉફિટ સિસ્ટમ સ્માર્ટ નેક બેલ્ટ સેન્સર દ્વારા ગાયોના આરોગ્યની ૨૪ કલાક દેખરેખ રાખશે. આ સ્માર્ટ નેક બેલ્ટ દ્વારા ગાયની રોજની પ્રવૃત્તિ જેવી કે ગાય દિવસમાં કેટલી વાર બેસી, કેટલું ચાલી, એનું ટેમ્પરેચર, ખાવાની વર્તણૂક તેમ જ બીજી કોઈ અસામાન્ય મૂવમેન્ટ સહિત ૨૫૨ જેટલાં વેરિયન્ટ આ સ્માર્ટ નેક બેલ્ટની મદદથી જાણી શકાશે. દર ૧૫ દિવસે એનું ઍનૅલિસિસ કરીને રિપોર્ટ આપવામાં આવશે. ગાયને ટેમ્પરેચર ચડે કે બીજા કોઈ ડિસીઝ હોય તો એના પ્રારંભિક સંકેતો આ ડિવાઇસ દ્વારા જાણવા મળશે અને એના દ્વારા ગાયોની સારવાર કરી શકાશે. ૪ વેટરિનરી ડૉક્ટર, ૧૨ ડિપ્લોમા ઇન વેટરિનરી સાયન્સના કર્મચારીઓ તેમ જ અન્ય કર્મચારીઓ આ ગાયોનું મૉનિટરિંગ કરશે અને સારવાર કરશે.’

