Ahmedabad Accident: અમદાવાદના પાંચ યુવાનો મુંબઈ જઈ રહ્યા હતા તયારે થયો ભયાનક અકસ્માત, બે યુવાનોના મોત
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા યુવાનો
- ગાડી ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી
- ઈન્સ્ટાગ્રામ લાઈવ પર ગાડીઓ ઓવરટેક કરી રહ્યા હોવાનું દેખાડ્યું
સોશ્યલ મીડિયા (Social Media) પર ફેમસ થવા માટે અને થોડાક વધુ વ્યુઝ મેળવવાની લાલચમાં આજના યુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ (Instagram Reels) બનાવવાની ઘેલછામાં તેઓ એ પણ ભૂલી જાય છે કે તેઓ તેમના જીવન સાથે રમી રહ્યા છે. આવી જ એક ઘટના ગુજરાત (Gujarat) માં સામે આવી છે. જ્યાં બે યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અન્ય ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત (Ahmedabad Accident) ના તમામ પીડિતોની ઉંમર ૨૨થી ૨૭ વર્ષની વચ્ચે છે.
વાયરલ થયેલા વીડિયોમાં અમદાવાદ (Ahmedabad) ના પાંચ યુવકો મારુતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza) માં મુંબઈ જઈ રહ્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ જઈને પોતાની જર્ની વિશે માહિતી આપી હતી. કારની અંદર મ્યુઝિકનો અવાજ સંભળાય છે, ત્યારબાદ કારમાં સવાર બે યુવકો ઈન્સ્ટાગ્રામ લાઈવ પર હેલો કહે છે. આ પછી કારની અંદર બેઠેલા અન્ય લોકોને પણ કેમેરામાં બતાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ મસ્તીના મૂડમાં દેખાય છે.
ADVERTISEMENT
આ પછી ઈન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા કારના ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર કેમેરા ફોકસ કરવામાં આવે છે અને એક યુવક કહે છે કે જુઓ કાર કેવી રીતે ચાલી રહી છે. તે સમયે કાર ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે છે. કેટલાક યુવાનો એકબીજાને અપશબ્દો બોલતા સાંભળવા મળે છે. કાર ચલાવતો યુવક અન્ય વાહનોને પાછળ છોડીને વધુ સ્પીડમાં કાર ચલાવતો રહે છે. અન્ય વાહનોને ઓવરટેક કરવા માટે આ યુવાનોની કાર તેજ ગતિએ દોડે છે અને પાછળ બેઠેલા યુવાનો કાર ચલાવી રહેલા યુવાનોને આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પછી કારનો અકસ્માત થાય છે. કાર ચલાવતો યુવક બચવા માટે અચાનક બ્રેક લગાવે છે અને ઈન્સ્ટાગ્રામ લાઈવ વીડિયો જોરથી ધડાકા સાથે અંધારામાં પૂરો થાય છે.
મળતી માહિતીને આધારે, આ ઘટના બીજી મેના રોજ સવારે ૩.૩૦ થી ૪.૩૦ વચ્ચે બની હતી. આ અકસ્માતમાં કાર સવાર અમન મહેબુભાઈ શેખ અને ચિરાગ કુમાર પટેલનું મોત થયું હતું. અન્ય યુવકો ઘાયલ થયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તમામ યુવાનો અમદાવાદના રહેવાસી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર એક ઝાડ સાથે વાહન અથડાયું હતું. આ યુવાનો અમદાવાથી મુંબઈ જઈ રહ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અમદાવાદથી લગભગ ૧૦૦ કિમી દૂર નેશનલ હાઈવે ૪૮ પર અડાસ પાસે યુવસનોની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કારના ચાલક મુસ્તફા ઉર્ફે શાહબાદ ખાન પઠાણ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.