સુરેન્દ્રનગરની કિંજલ મેતાલિયાનાં લગ્ન કરાવવાના તેના પેરન્ટ્સના કોડ હતા, પણ અકસ્માતમાં એ બ્રેઇન-ડેડ થતાં એકની એક દીકરીનાં કિડની અને લિવરનું દાન કરીને ત્રણ જણને નવજીવન બક્ષવાનો નિર્ણય લેવાયો
કિંજલ મેતાલિયા
48 - કિરણ મેતાલિયાની અમદાવાદની હૉસ્પિટલમાં આટલા કલાક સારવાર કરાઈ એ પછી તેને બ્રેઇન-ડેડ જાહેર કરાઈ હતી.
ગુજરાતના અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં દીકરી બ્રેઇન-ડેડ જાહેર થયા પછી આઘાતજનક વિકટ સ્થિતિ વચ્ચે મનોબળ મજબૂત કરીને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાંચવડા ગામનાં એક માતા-પિતાએ સમાજને રાહ ચીંધતા કોઈકની જિંદગી બચાવવા માનવતા મહેકાવતો આવકારદાયક નિર્ણય કરીને વહાલસોયી દીકરીનું અંગદાન કરતાં બે કિડની અને લિવરનું દાન કરીને ત્રણ દરદીઓના જીવનમાં નવજીવનના પ્રાણ ફૂંક્યા હતા. જે દીકરીનું કન્યાદાન કરવાનું હોય એને બદલે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં માતા-પિતાએ દીકરીનું અંગદાન કરવું પડ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચવડા ગામમાં માતા-પિતા સાથે રહેતી ૧૯ વર્ષની કિંજલ મેતાલિયાનો અકસ્માત થયો હતો અને સારવાર માટે તેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. ૪૮ કલાકની સારવાર બાદ ડૉક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. સિવિલ હૉસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા કિંજલનાં માતા હંસાબહેન અને પિતા બીજલભાઈને અંગદાન વિશે જાણકારી આપીને સમજ આપી હતી. ત્યાર બાદ માતા-પિતાએ દીકરીના અંગદાનનો નિર્ણય કરીને બે કિડની અને એક લિવરનું દાન કર્યું હતું.
ADVERTISEMENT
બ્રેઇન-ડેડ કિંજલના પિતા બીજલભાઈ મેતાલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી એકની એક દીકરી કિંજલ ૧૯ વર્ષની હતી. મારી આ વહાલસોયી દીકરીને એક પિતા તરીકે લાડકોડથી પરણાવવાનો કોને ઉમંગ ન હોય, પણ દીકરીનું કન્યાદાન હું ન કરી શક્યો અને અંગદાન કર્યું. મારી દીકરીનો અકસ્માત થયો હતો અને અમે તેને લઈને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પણ તેને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. સાહેબે મને અંગદાનની વાત કરી હતી. મારી દીકરીનાં અંગો બીજાના કામમાં આવે એનાથી બીજું રૂડું શું હોઈ શકે? મારી દીકરી તો જતી રહેશે, પણ કોઈકના લાડકવાયાના જીવ બચાવતી જશે. આવો આત્માને વિચાર આવ્યો હતો અને દીકરીનાં જે અંગો કામમાં આવે એનાથી કોઈક બે વ્યક્તિના જીવ બચે એવી ગણતરી હતી, એટલે અમે દીકરીનાં અંગોનો દાન કરવાનો નિર્ણય કર્યો હતો.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘દીકરીનાં અંગોનુ દાન કરવાનો નિર્ણય એક પિતા તરીકે કેટલો કઠિન હતો એ મારો આત્મા જ જાણે છે, કેમ કે મારે તો એકની એક દીકરી હતી. મારી દીકરીએ નર્સિંગમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. નર્સ બન્યા પછી દરદીઓની સેવા કરવાની તેની ઇચ્છા હતી ત્યારે મારી દીકરીની બે કિડની અને એક લિવરના અંગદાનથી ત્રણ દરદીઓને નવજીવન મળ્યું છે. એના માટે મારી દીકરીનું અમને ગૌરવ રહેશે.’
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘બ્રેઇન-ડેડ દીકરીનાં અંગોનું દાન કરવાનો નિર્ણય માતા-પિતાએ કર્યો હોય એવો અમારા માટે આ પ્રથમ કિસ્સો છે. આ માતા-પિતાને હું દાદ આપું છું. સિવિલ હૉસ્પિટલમાં આ ૧૦૬મું અંગદાન હતું ત્યારે અમારી ટીમ આ તબક્કે ભાવુક બની હતી.’