શહેરના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલના માલિક કૈલાશ ગોએન્કા અને તેમના મિત્રો હોટેલના સાતમા માળે એકઠા થઈને બુધવારે મોડી રાતે જુગાર રમતા હતા
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
ગુજરાતના અમદાવાદમાં આવેલી તાજ હોટેલના માલિક સહિતના આઠ આધેડો સહિત દસ જણ તીનપત્તીનો જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાયા હતા. શહેરના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલના માલિક કૈલાશ ગોએન્કા અને તેમના મિત્રો હોટેલના સાતમા માળે એકઠા થઈને બુધવારે મોડી રાતે જુગાર રમતા હતા એ સમયે પોલીસને બાતમી મળતાં રેઇડ પાડીને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજ હોટેલના માલિક કૈલાશ ગોએન્કા તેમના મિત્રોને બોલાવીને તીનપત્તીનો જુગાર રમાડી રહ્યા હતા. આ દરમ્યાન સરખેજ પોલીસ સ્ટેશનના કર્મચારીને બાતમી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલના સાતમા માળે રૂમ નંબર ૭૨૧માં હોટેલના માલિક કૈલાશ ગોએન્કા પોતે અને પોતાના મળતિયા માણસોને રાખીને બહારથી માણસો બોલાવીને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યા છે, જેથી પોલીસ-કર્મચારીઓએ પંચને સાથે રાખીને હોટેલના રૂમમાં રેઇડ પાડીને જુગાર રમતા ૧૦ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પોલીસે કૈલાશ ગોએન્કા, શંકર પટેલ, હસમુખ પરીખ, અજિત શાહ, કનુ પટેલ, ભાવિન પરીખ, પ્રદીપ પટેલ, ભરત પટેલ, જગદીશ દેસાઈ અને નરેન્દ્ર પટેલને જુગાર રમતાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયેલા ઇસમોની જડતી લેતાં રોકડા ૯,૮૩,૩૫૦ મળી આવ્યા હતા. લાલ અને સફેદ કલરના ૧૮૬ કૉઇન, ગંજીફાની ત્રણ કેટ, ચાર મોબાઇલ સહિત ૧૦,૪૮,૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.