કચ્છના નખત્રાણાના કોટડાજડોદરા ગામમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી અને મંદિર પર લીલી ઝંડી ફરકાવવામાં આવી હતી. પોલીસે 3 કિશોરો સહિત 7 લોકોની અટકાયત કરી છે અને કેસ નોંધ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
સુરત પછી કચ્છના નખત્રાણાના કોટડાજડોદર ગામે બે દિવસ પહેલાં ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારીને એને ખંડિત કરાઈ હતી એટલું જ નહીં, મંદિર પર લીલો ધ્વજ લગાવાતાં વિવાદ સર્જાયો હતો. જોકે પોલીસે ૩ કિશોર સહિત ૭ વ્યક્તિઓની અટકાયત કરીને ગઈ કાલે ગુનો નોંધ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો.
દેશમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે નખત્રાણા તાલુકાના કોટડાજડોદરા ગામે મંગળવારે એક ગણેશ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ હતી. તોફાની તત્ત્વો આટલેથી ન અટકતાં મંદિર પરથી ધજા ઉતારી લઈને એની જગ્યાએ લીલો ઝંડો લગાવી દીધો હતો. ગામવાસીઓને આની જાણ થતાં પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તાકીદે ગામમાં પહોંચી હતી અને લીલો ઝંડો ઉતારી લીધો હતો તેમ જ ઘટનામાં સામેલ કિશોરો સહિત ૭ વ્યક્તિઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.