આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માગણીથી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતમાં હવે અલગ ભીલ પ્રદેશ ભીલિસ્તાનની માગણી ઊઠી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માગણીથી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે, જેના પગલે ગુજરાતમાં જાણે કે ભાગલાવાદી રાજનીતિના ફરી એક વાર મંડાણ થયા હોવાનો માહોલ ઊભો થવા જઈ રહ્યો છે.
ગુજરાતના ડેડિયાપાડા મત વિસ્તારના વિધાનસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે ‘બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભીલ પ્રદેશની માગ હતી, હવે ભીલિસ્તાનની માગ તીવ્ર બનશે. આવનારા સમયમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશના ટ્રાયબલ વિસ્તારમાં જવાના છીએ. ત્યાં સામાજિક, ધાર્મિક આગેવાનોને સાથે લઈને તમામ ટ્રાયબલ વિસ્તારને જોડીને ભીલ પ્રદેશ – ભીલિસ્તાનની માગણી કરવાના છીએ.’
ADVERTISEMENT
અલગ ભીલિસ્તાનને લઈને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. આદિવાસીઓના જળ, જમીન અને જંગલને લઈને પ્રશ્નો ઊઠ્યા છે અને આદિવાસી સમાજનું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓથી આદિવાસીઓનું કલ્યાણ થયું હોવાના દાવા થઈ રહ્યા છે.