માંજાના બદલામાં ક્યાંક ચા ફ્રીમાં મળી તો ક્યાંક કિલોએ ૧૦૦ રૂપિયા મળ્યા
બાલીસણા ગામે લોકો પાસેથી પતંગની દોરી એકઠી કરીને તેમને ચા ફ્રીમાં આપવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે અનોખું અભિયાન સફળ બન્યું છે. આ અભિયાનમાં જેમાં પાટણ પાસે આવેલા બાલીસણા ગામમાં લોકોએ ઉત્તરાયણ પછી વૃક્ષ પર કે ધાબે લટકી રહેલી કે પછી ગામમાં જ્યાં-ત્યાં પડેલી પતંગની દોરીઓ એકઠી કરીને એને યુવક મંડળને આપતાં ૫૦૦ ગ્રામ દોરીની સામે ૫૦૦ ગ્રામ ચા ફ્રીમાં આપવામાં આવી હતી.
ADVERTISEMENT
મહેસાણામાં રાજ્યસભાના સંસદસભ્ય મયંક નાયકના કાર્યાલય પર પતંગની દોરીઓ ત્રાજવે તોળીને એકઠી કરાઈ હતી.
ઉત્તર ગુજરાતના બાલીસણા ગામે યુવક મંડળ દ્વારા પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે પહેલી વાર શરૂ કરેલા અભિયાનને ગામવાસીઓએ આવકાર્યું હતું અને ગામમાંથી લોકોએ ૧૫ કિલોગ્રામ દોરી એકઠી કરીને ૧૫ કિલોગ્રામ ચા મફતમાં મેળવી હતી. બાલીસણા યુવક મંડળના જલ્પેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતંગની વધેલી દોરી અને ઝાડ પર કે છત પર લટકતી દોરીમાં પક્ષીઓ ફસાઈ જાય અને કદાચ મરી પણ જાય એટલે પક્ષીઓને બચાવવા માટે અને ગામમાંથી દોરીનો કચરો સાફ થઈ જાય એ માટે યુવક મંડળે મફત ચા આપવાનું આયોજન કર્યું હતું. જે લોકો પતંગની દોરી લઈને આવે તેમને ઘરઉપયોગી વસ્તુ આપવી હતી એટલે ચા આપવાનું નક્કી કર્યું હતું. ગામમાંથી લોકો ૫૦૦ ગ્રામ, એક કે દોઢ કિલોગ્રામ દોરી એકઠી કરીને આપી ગયા હતા અને એની સામે ૫૦૦ ગ્રામ, એક અને દોઢ કિલોગ્રામ ચા ફ્રીમાં આપી હતી. ગામલોકો જે દોરી આપી ગયા એને એકઠી કરીને અમે સળગાવી દીધી હતી.’
મહેસાણામાં પતંગની દોરીની સામે પૈસા આપવા ઉપરાંત વૉલ-ક્લૉક પણ ગિફ્ટમાં આપવામાં આવી હતી.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય મયંક નાયકે મહેસાણામાં પક્ષીઓને દોરીથી બચાવવા માટે અભિયાન હાથ ધરીને લટકતી દોરીઓ, રસ્તામાં પડેલી દોરીઓ, ધાબા પર પડી રહેલી દોરીઓનાં ગૂંચળાં ખરીદવા માટે પહેલ કરી હતી અને ૧૦૦ રૂપિયે કિલોના ભાવે પતંગની દોરીનાં ગૂંચળાં ખરીદીને લોકોને પૈસા આપ્યા હતા. મયંક નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પક્ષીઓને બચાવવા, પર્યાવરણની રક્ષા થાય અને નગરમાં સફાઈ પણ થઈ જાય એ માટે આ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણા અને આસપાસનાં ગામોમાંથી લોકો અત્યાર સુધીમાં ૨૫૦ કિલોગ્રામથી વધુ પતંગની દોરીનાં ગૂંચળાં આપી ગયા છે. તેમને એક કિલોગ્રામ દોરીના ગૂંચળાના ૧૦૦ રૂપિયા ચૂકવ્યા હતા અને વૉલ-ક્લૉક ગિફ્ટ કરી હતી.’