H1N1ના ૭૭ કેસ અને H3N2ના ૩ કેસ સહિત કુલ ૮૦ કેસ નોંધાયા, H1N1થી એક દરદીનું થયું મૃત્યુ : અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં શરદી, ખાંસી, તાવનાં લક્ષણો સાથે બાળદરદીઓના કેસમાં વધારો
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસના કારણે લોકોમાં જોવા મળી રહેલા શરદી, ખાંસી, તાવના કેસને લઈને ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને આરોગ્યપ્રધાને સમીક્ષા બેઠક પણ યોજી હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં H1N1ના ૭૭ કેસ અને H3N2ના ૩ કેસ સહિત કુલ ૮૦ કેસ નોંધાયા છે તેમ જ H1N1થી એક દરદીનું મૃત્યુ થયું છે. બીજી તરફ અમદાવાદ સોલા સિવિલ હૉસ્પિટલમાં શરદી, ખાંસી, તાવનાં લક્ષણો સાથેના બાળદરદીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘રાજ્યમાં જોવા મળતા સીઝનલ ફ્લુના કેસોમાંથી મુખ્યત્વે H1N1 ટાઇપના જ કેસો જોવા મળ્યા છે, જ્યારે H3N2ના કેસો નહીંવત્ નોંધાયા છે. H1N1 અને H3N2 એ ઇન્ફ્લુએન્ઝા-એ ટાઇપ છે. આ બન્ને પ્રકારના કેસમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. રાજ્યમાં ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૮૦ સીઝનલ ફ્લુના પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી H1N1ના ૭૭ કેસ અને H3N2ના ૩ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં H3N2થી એક પણ મૃત્યુ થયું નથી. H1N1થી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.’
ADVERTISEMENT
તેઓએ દાવો કર્યો હતો કે ‘રાજ્યની મેડિકલ કૉલેજ અને અન્ય હૉસ્પિટલોમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસના કારણે ઓ.પી.ડી.ની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો મોટો વધારો નોંધાયો નથી. સિવિલ હૉસ્પિટલો અને જનરલ હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ, જરૂરી દવાઓ, વૅન્ટિલેટર્સ, પી.પી.ઈ. કીટ અને માસ્કનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સીઝનલ ફ્લુનાં લક્ષણો ધરાવતા દરદીઓના ટેસ્ટિંગ માટે રાજ્યની ૧૩ સરકારી લૅબોરેટરીઓમાં વિનામૂલ્યે ટેસ્ટિંગ સુવિધા તેમ જ ૬૦ ખાનગી લૅબોરેટરીમાં પણ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.’
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હૉસ્પિટલમાં શરદી, ખાંસી, તાવનાં લક્ષણો સાથે બાળદરદીઓ જોવા મળી રહ્યા છે. આ પ્રકારનાં લક્ષણો ધરાવતા બાળદરદીઓના કેસ વધુ આવી રહ્યા છે.