G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ બેઠકમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે
કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક
અમદાવાદઃ G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છના રણમાં પ્રથમ ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાશે, જેમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે અને ગ્રીન ટૂરિઝમ, ડેસ્ટિનેશન મૅનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર સેશન્સ યોજશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત G20ના બીજા કાર્યક્રમનું કચ્છના રણમાં આયોજન થયું છે, જેમાં અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. ૭ ફેબ્રુઆરીએ સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય-પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત અલગ-અલગ વિષય પર પૅનલ ડિસ્કશન થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડી ઉપરાંત ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીપ્રધાન પુરુષોત્તમ રૂપાલા ૮ ફેબ્રુઆરીએ ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઈ અને ડેસ્ટિનેશન મૅનેજમેન્ટ પર સેશન્સ યોજાશે. ૯ ફેબ્રુઆરીએ પુરાતત્ત્વીય પ્રવાસનનો પ્રચાર–સંયુક્ત સાંસ્કૃતિક વારસાની શોધ પર ચર્ચા થશે. પ્રતિનિધિઓ કચ્છના સફેદ રણ, ધોળાવીરા તેમ જ ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેશે.