રાજકોટના રતનપર ગામે ઊમટશે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો
પરષોત્તમ રૂપાલા
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર નહીં બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજપૂત સમાજના આંદોલનમાં હવે આજે રાજકોટ પાસે રતનપર ગામે ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે. બીજી તરફ ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત્ રહેવા પામ્યો હતો. કાઠી ક્ષત્રિય સમાજના એક ગ્રુપે BJPને સપોર્ટ જાહેર કર્યો હતો, પરંતુ આ જ સમાજના અન્ય લોકોએ ગઈ કાલે પરષોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણી બાદ પરષોત્તમ રૂપાલા સામે ગુજરાતમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે જેમાં આજે રાજકોટમાં યોજાનારું રાજપૂત સમાજનું મહાસંમેલન એક રીતે શક્તિપ્રદર્શન બની રહેશે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના લોકો ઊમટશે એવી સંભાવના છે. પોલીસે આ સંમેલનને મંજૂરી આપી છે અને સજ્જ્ડ સુરક્ષા સાથે પોલીસ-બંદોબસ્ત ગોઠવાશે.
ADVERTISEMENT
કાઠી ક્ષત્રિય સમાજના બીજા ગ્રુપે કર્યો વિરોધ
શુક્રવારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ BJPને સપોર્ટ જાહેર કર્યો હતો. જોકે ગઈ કાલે આ જ સમાજના અન્ય આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજના ભરત વાળાએ આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘સમગ્ર સમાજે સમર્થન આપ્યું નથી. એ પર્સનલી, વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે. જે ગ્રુપના કાર્યકરો ક્યાંક ને ક્યાંક BJP રિલેટેડ અથવા તો BJPમાંથી આવે છે એટલે તેમને સમર્થન આપવાની ફરજ પડી હોય. અમારી એક જ વાત છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ કૅન્સલ કરવામાં આવે. અમે BJP સાથે છીએ. જો ૧૬ તારીખે ઉમેદવારી કૅન્સલ નહીં થાય તો અમે આગળનાં પગલાં માટે તૈયાર છીએ.’