રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલો બ્રિજેશ સુથાર તેની પ્રાર્થનાસભાના દિવસે ઘરે પાછો આવ્યો હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું
બ્રિજેશ સુથાર
૨૭ ઑક્ટોબરે અમદાવાદમાં રહેનારો ૪૩ વર્ષનો બ્રિજેશ સુથાર એકાએક ગાયબ થઈ ગયો હતો: પરિવારે મિસિંગની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસને હાથ લાગેલો મૃતદેહ તેના ફૅમિલી મેમ્બર્સને બતાવ્યો તો એ બ્રિજેશ હોવાનું માનીને તેમણે અંતિમક્રિયા પણ કરી નાખી. જોકે તે અચાનક જ પ્રાર્થનાસભામાં હાજર થઈ ગયો
અમદાવાદના નરોડામાં એક સુખદ ચોંકાવનારી ઘટના બની છે. ૪૩ વર્ષના બ્રિજેશ સુથાર નામની વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું માનીને પરિવારજનોએ શુક્રવારે તેની પ્રાર્થનાસભા રાખી હતી. પરિવારજનો અને સગાંસંબંધીઓ બ્રિજેશ સુથારના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે બ્રિજેશ સુથાર પ્રાર્થનાસભામાં આવી પહોંચ્યો હતો. બ્રિજેશને જીવતો પાછો આવેલો જોઈને સૌ ચોંકી ઊઠ્યા હતા, કારણ કે બે દિવસ પહેલાં જ સાબરમતી નદીના બ્રિજ પાસેથી એક મૃતદેહ મળ્યા બાદ એની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બ્રિજેશ જીવે છે તો પરિવારે કોના અંતિમ સંસ્કાર કર્યા એની મૂંઝવણ ઊભી થઈ છે. નરોડા પોલીસે પણ સાબરમતી નદીના પુલ નીચેથી મળેલો મૃતદેહ બ્રિજેશ સુથારનો નહીં તો કોનો હતો એની તપાસ શરૂ કરી છે.
નરોડા પોલીસે જણાવ્યું કે ૪૩ વર્ષનો બ્રિજેશ સુથાર ૨૭ ઑક્ટોબરે ઘરેથી નીકળ્યા બાદ પાછો નહોતો આવ્યો. પરિવારજનોએ બધી જગ્યાએ બ્રિજેશની શોધખોળ કર્યા બાદ પત્તો ન લાગતાં નરોડા પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
૧૦ નવેમ્બરે સાબરમતી નદીના પુલ પાસેથી એક વ્યક્તિનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એ પછી નરોડા પોલીસે મિસિંગની ફરિયાદ નોંધાવનાર બ્રિજેશ સુથારના પરિવારજનોને મૃતદેહની ઓળખ કરવા બોલાવ્યા હતા. મૃતદેહ કોહવાઈ ગયેલો હતો એટલે ઓળખ કરવી મુશ્કેલ હતી, પણ એનો શારીરિક બાંધો બ્રિજેશ જેવો જ હતો. આથી પરિવારજનોએ પોલીસને એ મૃતદેહ બ્રિજેશનો હોવાનું કહ્યું હતું. પોલીસે એ પછી મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો અને તેમણે મંગળવારે અંતિમક્રિયા કરી નાખી હતી. એ પછી શુક્રવારે બ્રિજેશની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી, જ્યાં બ્રિજેશ સુથાર સદેહ પ્રગટ થયો હતો. કહેવાય છે કે બ્રિજેશ માનસિક બીમારીથી પીડાય છે અને ધંધામાં આર્થિક નુકસાન થતાં તે હતાશ હતો અને ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હતો. ઘરેથી નીકળ્યા બાદ ૧૯ દિવસે બ્રિજેશ હેમખેમ પાછો આવતાં પરિવારજનોએ રાહત અનુભવી છે.
નરોડા પોલીસ-સ્ટેશનના ડ્યુટી-ઇન્ચાર્જ સંજય ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલો બ્રિજેશ સુથાર તેની પ્રાર્થનાસભાના દિવસે ઘરે પાછો આવ્યો હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું ત્યારે અમે ચોંકી ગયા હતા. તેમના પરિવારે જે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા એની ઓળખ કરવી હવે અમારે માટે મુશ્કેલ બની ગઈ છે. જોકે આમ છતાં જ્યાંથી મૃતદેહ મળ્યો હતો એની આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવાનું અમે શરૂ કર્યું છે.’