આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી અને ‘ભાગેડુ’ તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ
મોરબી (પી.ટી.આઇ.) ઃ ગુજરાતના મોરબીમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં હૃદયને હચમચાવી નાખનારી સસ્પેન્શન બ્રિજ હોનારતના કેસમાં પોલીસે ગઈ કાલે ચાર્જશીટ દાખલ કરી હતી. આ હોનારતમાં ઓછામાં ઓછા ૧૩૫ જણનાં મૃત્યુ થયાં હતાં.
આ કેસના તપાસ ઑફિસર ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પી. એસ. ઝાલા દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં ૧૨૦૦થી વધુ પાનાંની આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં નવ આરોપીઓ પહેલાંથી જ જેલમાં છે. તેમના સિવાય આ ચાર્જશીટમાં દસમા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ પણ છે. આ બ્રિજનું સંચાલન જયસુખ પટેલ કરતા હતા. ચાર્જશીટમાં મુખ્ય આરોપી અને ‘ભાગેડુ’ તરીકે જયસુખ પટેલનું નામ છે.
મૅજિસ્ટ્રેટની કોર્ટે પહેલાં જ ૨૦૨૨ની ૩૦ ઑક્ટોબરે થયેલી આ બ્રિજ હોનારતના કેસના સંબંધમાં જયસુખ પટેલની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. જયસુખની આગોતરા જામીન માટેની અરજી પર પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી કરવામાં આવશે.
મચ્છુ નદી પરના અંગ્રેજોના સમયગાળાના આ સસ્પેન્શન બ્રિજના સંચાલન અને મેઇન્ટેનન્સની જવાબદારી અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રુપ)ની હતી.