સોમનાથ દર્શન કરવા નીકળેલા અમદાવાદના એક જ પરિવારના પાંચનાં મોત
રવિવારનો દિવસ અકસ્માતનો દિવસ બન્યો છે. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઇવે પર બે અલગ-અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના મોડપર નજીક ખુલ્લા ફાટકમાં કાર અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી જેમાં કાર ૫૦ મીટર સુધી ઘસડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના મીઠોઈ નજીકથી સાબરમતી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે મીઠોઈ પાસે ખુલ્લું ફાટક આવેલું છે. ખુલ્લા ફાટક પાસે કાર હતી. ટ્રેનની અડફેટે આ કાર ૫૦ મીટર સુધી ઘસડાઈ હતી. કારમાં સવાર ત્રણ લોકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા.
ADVERTISEMENT
રવિવારે રજાનો દિવસ ગુજરાત માટે ગોઝારો પુરવાર થયો છે. અમદાવાદથી બગોદરા હાઇવે અને લીંબડી હાઇવે પર બે અકસ્માતમાં ૮ લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં તો ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સોમનાથદાદાનાં દર્શને કાર લઈને જતા અમદાવાદના પરિવારને સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથેના આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ જણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતને કારણે લીંબડી હાઇવે પર ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તો સવારે ૬ વાગ્યે બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઊભેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ૩ લોકોનાં મોત નીપજ્યાં છે.
બીજા અકસ્માતની વિગત મુજબ વહેલી સવારે અમદાવાદના બગોદરા પાસે આવેલા મીઠાપુર નજીક ડમ્પર-કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો.
અમદાવાદનો પરિવાર ગઈ મોડી રાત્રે જીજે-૦૧ ડીયુ-૮૬૧૫ નંબરની કાર લઈને સોમનાથદાદાનાં દર્શને જઈ રહ્યો હતો. વહેલી સવારે પહોંચવાની આશા સેવી રહેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ તેમની રાહ જોઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના દેવપરા ગામ પાસે જ્યારે કાર પહોંચી ત્યાં જ તેમની ટક્કર ટ્રક સાથે થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૪ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. મરનારામાં બાળકોનો પણ સમાવેશ થતો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડીની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકોના મૃતદેહને પણ લીંબડી હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં જરૂરી કાર્યવાહી પૂરી કરીને તેમના મૃતદેહને અમદાવાદ મોકલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા એક વર્ષથી અમદાવાદ-રાજકોટ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલે છે. અનેક ડાયવર્ઝન અને નાના રોડના કારણે અકસ્માત થાય છે અને એના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે.