બનાસકાંઠાનાં 70 તળાવોમાં પાણી ભરાતાં મુંબઈના સેવાભાવીઓ ખુશ
ધ્રેચાણા ગામે આવેલું તળાવ.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં ઊંડાં કરેલાં અને ખોદેલાં ૭૦ જેટલાં તળાવોમાં તાજેતરમાં પડેલા વરસાદનાં પાણી આવતાં મુંબઈગરા ગુજરાતી દાતાઓમાં હરખની હેલી થઈ છે. આ તળાવોમાં અંદાજે ૪ લાખ ૯૮ હજાર ૩૪૫ કયુસેક પાણીનો સંગ્રહ થતાં મુંબઈના સેવાભાવી ગુજરાતીઓમાં આનંદ છવાઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ તળાવોમાં વરસાદી પાણી ભરાતાં આસપાસમાં પાણીના તળ ઊંચા આવશે તેમ જ ખેડૂતો, ગ્રામજનો અને પશુ-પંખીઓ માટે રાહતરૂપ બની રહેતા સેવાભાવી નાગરિકોની ખુશી બેવડાઈ છે.
વાવ, સુઇગામ, થરાદ, કાંકરેજ, દિયોદર, લાખણી અને ડીસા તાલુકાઓનાં ગામોમાં ૭૦ જેટલાં તળાવો વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા છેલ્લા એક વર્ષમાં ઊંડાં કરવામાં અને ખોદવામાં આવ્યાં હતાં જેના માટે મુંબઈમાં રહેતા સેવાભાવી દાતાઓએ અંદાજે બે કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તાજેતરમાં બનાસકાંઠામાં વરસાદ પડતાં રામપુરા ગામ, કેસરગામ, ખેંગારપુર ગામ, કાંકરગામ, અધગામ, ખડોલ ગામ, દુધવા ગામ, કટાવ ગામ સહિતનાં ગામોનાં તળાવોમાં પાણી આવ્યાં છે અને ઓછા-વત્તા અંશે આ બધાં તળાવો ભરાયાં છે. લાખણી તાલુકાનું લીંબાવ ગામનું તળાવ, વાવ તાલુકાના રામપુરા ગામનું ડામરિયા તળાવ, થરાદ તાલુકાના કેસર ગામનું ઇંટવાળું તળાવ, કાંકરેજ તાલુકાનું કાંકર ગામનું ગામ તળાવ તેમ જ અધગામનું મોતીસર તળાવ ભરાયું છે. બાકીનાં તળાવોમાં ઓછા-વત્તા અંશે વરસાદી પાણીનો સંગ્રહ થયો છે.
ADVERTISEMENT
આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં મુંબઈના અંદાજે ૧૫૦થી વધુ દાતાઓમાં રાહત સાથે કંઈક સારાં કામ માટે ડોનેશન કર્યું તેનાથી હાશકારો થવા સાથે પોતાના પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો હોવાનો અને તેનો લાભ ગ્રામજનોને અને પશુઓને મળતાં તેની ખુશી થઈ છે.
મુંબઈના સાંતાક્રુઝમાં રહેતાં નંદિતા પારેખે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘તળાવોમાં પાણી ભરાતાં મને બહુ ખુશી થઈ છે. તળાવોમાં પાણી આવતાં ગ્રામજનો, પશુ-પક્ષીઓને મદદરૂપ થશે. એક-બે વરસાદમાં તળાવો ભરાતાં અમને ખૂબ જ આનંદ થયો છે. મિત્તલબહેન જે કામ હાથમાં લે તે પછી કમ્પ્લીટ કરીને રહે છે.’
નંદિતા પારેખે એમ પણ કહ્યું હતું કે ‘અમે ૧૫ જણા એકઠા થઈને પાંચ લાખ એકઠા કરીને વડવલી ગામે એક તળાવ કર્યું હતું. એક એવો વિચાર મૂક્યો હતો કે આપણે પાર્ટી કરીએ, જમવા જઈએ તેના કરતાં તળાવો કરીએ તો. આ વિચાર બધાને ગમ્યો અને તળાવ માટે પૈસા એકઠા કર્યા હતા. મને આ સેવા કરવાની પ્રેરણા મારા પિતાજી સ્વ. પ્રદીપભાઈ પાસેથી મળી છે અને હું સેવાકાર્ય કરી રહી છું.’
મુંબઈના રશ્મિન સંઘવીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ઇશ્વરની કૃપા છે કે તળાવોમાં પાણી ભરાયાં. આપણે તળાવ ખોદવાનું કામ કરી શકીએ, વરસાદ આવ્યો અને પાણી ભરાયાં તે આનંદની વાત છે, સારી વાત છે. તળાવોમાં પાણી ભરાતાં આ ગામોની જમીનના તળ ઊંચા આવશે, કૂવાઓ રિચાર્જ થશે અને ખેડૂતોને ખેતીમાં રાહત થશે. સરકાર ડૅમ બાંધે તો આપણાથી થાય તેટલું કરીએ.’
રશ્મિન સંઘવીએ એમ પણ કહ્યું હતું કે ‘મુંબઈમાં અમારું ફ્રેન્ડસ ઑફ વી.એસ.એસ.એમ. ગ્રુપ છે, ફ્રેન્ડસ ઑફ ધરમપુર ગ્રુપ છે જેમાં દોઢસો જેટલા દાતાઓ છે અને અમે બધા દાતાઓ એકઠા થઈને સદ્કાર્ય કરીએ છીએ.’
વિચરતા સમુદાય સમર્થન મંચના મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘વરસાદી પાણી વરસે તેટલું જમીનમાં ઊતરે, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં રહે તે ભાવના સાથે તળાવો ઊંડાં કરવાનાં અને ખોદવાનાં કામ કરીએ છીએ. જેમાં મુંબઈના સેવાભાવી દાતાઓ સંજય શાહ, સુધીર ઠાકરસી, પ્રદીપ શાહ, નિમેષ સુમતી, રમેશ કચોલિયા, ભાનુબહેન શાહ, વિક્રમ મહેતા, પીયૂષ કોઠારી સહિતના દાતાઓ અને ટ્રસ્ટો – કંપનીઓનો સહયોગ મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમે બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાઓનાં ગામોમાં ૭૦ તળાવો ઊંડાં કર્યાં છે અને ખોદ્યાં છે. ગામના નાગરિકોનો સહકાર લઈને તળાવો ઊંડાં કરવા અને ખોદવાનાં કામ કર્યાં છે જેમાં એપ્રિલ ૨૦૧૮થી જુલાઈ – ૨૦૧૯ દરમ્યાન ૭૦ તળાવોનાં કામ કર્યાં છે. જેમાં મુંબઈના દાતાઓ તરફથી ૧ કરોડ ૯૮ લાખ રૂપિયા ફંડમાં મળ્યા છે. આ તળાવોમાં વરસાદી પાણી આવતાં પાણીનું લેવલ ઊંચું આવે છે જેનો લાભ ગામના નાગરિકો અને ખેડૂતોને થાય છે.’
આ પણ વાંચો : જામનગર જીજી હોસ્પીટલ ખાતે અચાનક પહોંચ્યા રાજ્ય આરોગ્ય કમિશ્નર
નર્મદા સબ કૅનલ તૂટતાં એનું પાણી ધ્રેચાણા ગામના તળાવમાં ભરાયું
વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા સુઇગામ તાલુકામાં આવેલા ધ્રેચાણા ગામે ડિસેમ્બર મહિનામાં તળાવ ખોદાયું હતું. દરમ્યાન બનવાકાળ એવું બન્યું કે નર્મદા સબ કૅનલ તૂટતાં તેમાંથી પાણી વહેવા માંડ્યાં હતાં પરંતુ આ વહેતાં પાણીનો પ્રવાહ સીધો ધ્રેચાણા ગામે ખોદેલા તળાવમાં જતાં તળાવ ભરાઈ ગયું હતું.