સૌરાષ્ટ્રમાં આફતનો વરસાદ, લતીપુર ગામ સંપર્કવિહોણું,રાજકોટમાં ફસાઈ બસ
આફતનો વરસાદ
લાંબા સમય બાદ આખા ગુજરાતમાં મેઘમહેર થઈ છે. જો કે છેલ્લે છેલ્લે થયેલો આ વરસાદ કેટલાક વિસ્તારોમાં આફતનો વરસાદ બની રહ્યો છે. રાજકોટમાં મંગળવારે આખીરાત ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. આટલા વરસાદને કારણે અડધું રાજકોટ પાણીમાં છે. અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટના પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે સ્કૂલ બસ તેમાં ફસાઈ હતી. જો કે બસમાં સવાર વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી તરફ જામનગરમાં પણ મેઘ મહેર હવે કહેર બની રહી છે. જામનગરમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી ફેલાઈ ગયા છે. અનરાધાર વરસાદના કારણે ધ્રોલ નજીક આવેલું લતીપુર ગામ સંપર્ક વિહોણું થયું છે. આમ તો લતીપુરમાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ આ વખતે ધોધમાર વરસાદને કારણે અહીં ગામની અંદર જ ઘોડાપૂર જેવા પાણી વહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધ્રોલમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દ. ગુજરાતમાં ભારે વરસાદ, 10 કોઝવે પર પાણી ફરી વળ્યાં, નદીઓ બે કાંઠે વહી
ધ્રોલના લતીપુર ગામમાં પધસમસતા પાણી વહેતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પાણીનો પ્રકોપ જોઈ શકાય છે. ભારે વરસાદના પગલે ધ્રોલનું લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 5 દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી હજી સુધી તો સાચી સાબિત થઈ રહી છે..

