પરિક્રમાની શરૂઆતના ૩ દિવસમાં ૮ વ્યક્તિઓને છાતીમાં દુખાવો ઊપડતાં મૃત્યુ થયાં એવું પહેલી વાર બન્યું હશે : જોકે પદયાત્રીઓના ઉત્સાહમાં ઓટ નથી આવી, ઊમટી રહ્યા છે પરિક્રમા કરવા
લીલી પરિક્રમા કરવા ઊમટેલા પદયાત્રીઓ.
જૂનાગઢ પાસે ગરવા ગઢ ગિરનારની ફરતે ચાલી રહેલી લીલી પરિક્રમા શરૂ થયાના ત્રણ જ દિવસમાં ૮ પદયાત્રીઓનાં મૃત્યુ થયાં છે. આવું પહેલી વાર બન્યું હશે કે પરિક્રમાની શરૂઆત થયાના ત્રણ દિવસમાં જ ૮ વ્યક્તિઓને છાતીમાં દુખાવો ઊપડતાં મૃત્યુ થયાં છે. બીજી તરફ લીલી પરિક્રમા કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઓટ આવી નથી અને લાખો પદયાત્રીઓ હોંશભેર ઉત્સાહ સાથે લીલી પરિક્રમા કરવા ઊમટ્યા છે અને ઊમટી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર ડૉ. મનોજ સુતરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરિક્રમા દરમ્યાન ૮ પદયાત્રીનાં મૃત્યુ થયાં છે. આ આઠ વ્યક્તિઓની ઉંમર ૫૦થી ૭૦ વર્ષની છે. પરિક્રમા દરમ્યાન જીવ ગુમાવનાર વ્યક્તિના શરીરને સ્ટ્રેસ પડ્યું હશે અને મૃત્યુ થયું હશે. ઉંમર અને ફિઝિકલ સ્ટ્રેસના કારણે મૃત્યુ થયાં હોય એવું અત્યારે કહી શકાય.’
ADVERTISEMENT
૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા કરી રહેલા પદયાત્રીઓને મેસેજ આપતાં જૂનાગઢ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ‘પદયાત્રા કરતા તમામે તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને વયોવૃદ્ધ યાત્રિકો ઉપરાંત બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ ધરાવતા કે પછી જેમણે હ્યદયરોગની સર્જરી કરાવી હોય તેવા પદયાત્રીઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પરિક્રમા કરતાં જો છાતીમાં દુખાવો થાય, બેચેની લાગે, ગભરામણ થાય કે ચક્કર આવવા જેવાં લક્ષણ જણાય તો તરત જ ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ અને પદયાત્રાના રૂટ પર હંગામી દવાખાનાં ઊભાં કર્યાં છે ત્યાં તપાસ કરાવવી જોઈએ.’
પરિક્રમાના ત્રણ દિવસ દરમ્યાન મારવેલા ઘોડી, ભવનાથ, ઇંટવાની ઘોડી, ઝીણાબાવાની મઢી, ૧૧ નંબરની પોલીસ ચેક પોસ્ટ તેમ જ સરકડિયા પાસેથી પદયાત્રીઓની ડેડ-બૉડી મળી આવી હતી જેને સિવિલ હૉસ્પિટલ જૂનાગઢ તેમ જ એક ડેડ-બૉડીને ભેંસાણ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઈ જવાઈ હતી. મૃત્યુ પામેલા લોકો રાજકોટ શહેર અને જિલ્લાના તેમ જ ગાંધીધામના રહેવાસીઓ હતા અને પરિક્રમા કરવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પરિક્રમાના રૂટ પર જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આરોગ્ય સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને પદયાત્રીઓ સાથે વાતચીત કરીને તેમને એકસાથે સતત નહીં ચાલવા અને સમયાંતરે આરામ કરવાની અપીલ કરી હતી.