૭૫ વર્ષના ભરત ગોર સાઇડકારવાળા સ્કૂટર પર સવારથી નીકળી પડ્યા હતા
રામઝાલર વગાડીને મતદાન કરવા જવા અપીલ કરતા ભરત ગોર.
લોકસભાની ચૂંટણી માટે ગઈ કાલે થયેલા મતદાન દરમ્યાન મતદાન માટે પ્રેરિત કરતા સિનિયર સિટિઝનની કામગીરી જોઈને અમદાવાદના ઘણા લોકો અચરજ પામી ગયા હતા. ૭૫ વર્ષના ભરત ગોરે તેમના સાઇડકારવાળા સ્કૂટર પર સવાર થઈને અમદાવાદના ઘણા વિસ્તારોમાં સોસાયટીઓ તેમ જ અપાર્ટમેન્ટમાં જઈને રામઝાલર વગાડીને મતદાન કરવા જવા લોકોને પ્રેરિત કર્યા હતા. તેમની આ સેવાને ઘણાએ બિરદાવી હતી.
૭૫ વર્ષના ભરત ગોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સોસાયટી કે અપાર્ટમેન્ટની વચ્ચે આવેલા મેદાનમાં ઊભો રહીને રામઝાલર વગાડી સૌને મતદાન કરવા જવા અપીલ કરતો હતો. આ માટે હું સવારથી જ ઘરેથી નીકળી ગયો હતો. સૌપહેલાં તો હું વોટિંગ કરીને આવ્યો અને ત્યાર બાદ બીજા બધા પણ વોટિંગ કરે એ માટે મેં જુદા-જુદા એરિયામાં ફરીને રામઝાલર વગાડીને સૌને મતદાન કરવા જવા કહ્યું હતું. રામઝાલર એટલે વગાડું છું કેમ કે અમદાવાદના લોકો જમવાને અને રજાને મહત્ત્વ આપવામાં કદાચ વોટિંગ કરવાનું મનમાંથી વીસરી ન જાય અને તેમને મતદાન માટે જાગૃત કરતો હતો. સૌને એક જ વાત કરતો હતો કે વોટ ગમે તે ઉમેદવારને આપો, પણ વોટ કરવા નીકળો. વોટિંગ થવું જોઈએ. વોટિંગ કરવું એ પવિત્ર બાબત છે.’