દિવાળીના પર્વ પર અમદાવાદમાં આવેલી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મણિનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી.
૨૯ રાજ્યોની માટીથી બનાવવામાં આવી ૫૦ બાય ૫૦ ફુટની રંગોળી
અમદાવાદ : દિવાળીના પર્વ પર અમદાવાદમાં આવેલી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મણિનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. જય જવાન, જય કિસાનના સૂત્ર સાથે અને મારી માટી, મારો દેશની થીમ પર દેશભક્તિને ઉજાગર કરતી રંગોળી બનાવવામાં આવી હતી જેમાં દેશનાં ૨૯ રાજ્યોની માટી અને ૨૫૦ કિલો રંગોનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત ૨,૧૦૦ માટીનાં કોડિયાંમાં દીવા પ્રગટાવીને મૂક્યા હતા. એને કારણે રંગોળી વધુ આકર્ષક બની હતી અને હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસસ્વામી મહારાજના માર્ગદર્શનમાં સંતો અને હરિભક્તોએ કલાત્મક રંગોળી બનાવી હતી. મહંત ભગવદપ્રિયસ્વામીએ કહ્યું હતું કે ‘રંગોળી ધાર્મિક, સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતીક છે અને એનાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. દિવાળીના પર્વમાં વિવિધ થીમ પર કલાત્મક રંગોળી અને દીવા પ્રગટાવીને સજાવટ કરવામાં આવે છે.’