અમદાવાદમાં કર્મચારીઓનું કારનામું : એટીએમમાં નક્કી હોય એના કરતાં ઓછા પૈસા ભરતા : ૪ આરોપી પકડાયા
એટીએમ માટેની પાંચ કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર ચાર આરોપીઓ બે પોલીસ-કર્મચારીઓની વચ્ચે
ગુજરાતના અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલાં બૅન્કનાં એટીએમમાં પૈસા ભરવા જતા પ્રાઇવેટ કંપનીના ૬ કર્મચારીઓએ એટીએમમાં પૈસા ઓછા ભરીને તેમનાં ખિસ્સાંમાં પૈસા ભરતા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધીરે-ધીરે કરીને આ કર્મચારીઓએ પાંચ કરોડ સત્તાવીસ લાખ રૂપિયાથી વધુની રકમ સેરવી લઈ ઉચાપત કરી હતી. આ બનાવની ફરિયાદ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે.
અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એચડીએફસી બૅન્ક તથા સિટી બૅન્કનાં ૪૭ જેટલાં એટીએમમાં નાણાં ભરવાની જવાબદારી અમદાવાદમાં આવેલી રાઇટર બિઝનેસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તેમની કંપનીમાં એટીએમ ઑપરેટર તરીકે કામ કરતા અજયકુમાર ચૌહાણ, હરીશ પરમાર, અમરત સોલંકી, કમલેશ રાવળ, પ્રવીણ પઢિયાર અને લક્ષ્મણ પરમારને સોંપી હતી. આ કર્મચારીઓએ સાથે મળીને કાવતરુ રચી અલગ-અલગ એટીએમમાં અલગ-અલગ સમયે ઓછાં નાણાં ભરીને ઉચાપત કરી નાણાં પોતાના અંગત આર્થિક લાભ માટે મેળવી લીધાં હતાં. કંપનીએ મૂકેલો ભરોસો અને વિશ્વાસનો દુરુપયોગ કરીને આજદીન સુધી કુલ ૫,૨૭,૬૩,૭૦૦ રૂપિયાની ઉચાપત કરી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીબી પોલીસ સ્ટેશનમાં મિતેષ પરમાનંદ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરીને અમરત સોલંકી, લક્ષ્મણ પરમાર, કમલેશ રાવળ અને પ્રવીણ પઢિયારને પકડી લીધા છે.