સવારે જૂનાગઢમાં ભવનાથ તળેટીથી સ્પર્ધાનો પ્રારંભ થશે: પુરુષ સ્પર્ધકોએ અંબાજી મંદિર સુધી ૫૫૦૦ પગથિયાં અને મહિલાઓએ માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયાં ચડવાનાં અને ઊતરવાનાં
ગુજરાત ગિરનાર આરોહણ
૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે સવારે યોજાશે, જેમાં રાજ્યભરના ૧૨૦૭ સ્પર્ધકો ગરવા ગઢ ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે. પુરુષ સ્પર્ધકો માટે અંબાજી મંદિર સુધી ૫૫૦૦ પગથિયાં અને મહિલાઓ માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયાં ચડવા અને ઊતરવાની સ્પર્ધા યોજાશે.
ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો મહંત મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી આજે સવારે ૬.૪૫ વાગ્યે પ્રારંભ થશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતા વાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સ્પર્ધા ભાઈઓ અને બહેનો બન્ને વિભાગમાં અલગ-અલગ સિનિયર અને જુનિયર કૅટેગરીમાં યોજાશે; જેમાં ૫૫૮ સિનિયર ભાઈઓ, ૩૬૬ જુનિયર ભાઈઓ, ૧૪૯ સિનિયર બહેનો અને ૧૩૪ જુનિયર બહેનો ભાગ લેશે. ભાઈઓની સ્પર્ધામાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી ૫૫૦૦ પગથિયાં ચડવાનાં રહેશે અને એટલાં જ પગથિયાં ઊતરવાનાં રહેશે. બહેનોની સ્પર્ધામાં ભવનાથ તળેટીથી માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયાં ચડવાનાં રહેશે અને એટલાં જ પગથિયાં ઊતરવાનાં રહેશે. વિજેતાઓને કુલ ૮ લાખ ૪૦ હજાર રૂપિયાનાં ઇનામો આપવામાં આવશે.’