મુંબઈ-સુરતના ૧૦,૦૦૦ લોકોની હાજરીમાં સાધુ-સંતના હાથે ૨૫૦ ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
SDBને ધમધમતું કરવા માટે ગઈ કાલે એકસાથે ૨૫૦ ડાયમન્ડ કંપનીઓની ઑફિસો શરૂ કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા સુરત ડાયમન્ડ બુર્સ (SDB)નું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ અહીં ડાયમન્ડના કામકાજ માટે જરૂરી માળખું અને કેટલીક સુવિધાઓ નહોતાં એટલે મુંબઈ અને સુરત સહિતના હીરાના વ્યવસાયીઓએ કામકાજ શરૂ નહોતું કર્યું. SDBના પ્રણેતાની કિરણ જેમ્સ કંપની મુંબઈમાં કામકાજ બંધ કરીને SDBમાં શિફ્ટ થઈ ગઈ હતી, પણ થોડા સમયમાં જ આ કંપની પાછી મુંબઈ આવી ગઈ હતી. આથી લાગતું હતું કે SDBમાં વ્યવસ્થિત રીતે કામકાજ શરૂ કરવામાં લાંબો સમય લાગશે. જોકે SDBની કમિટી અને અહીં ઑફિસ માટેની જગ્યા ખરીદનારા મુંબઈના ૨૫૦ જેટલા વેપારીઓએ અહીં કામકાજ કરી શકાય એ માટેનું માળખું તૈયાર થયા બાદ ઑફિસ શરૂ કરવાની તૈયારી બતાવી હતી. આથી ગઈ કાલે અષાઢી બીજના પવિત્ર દિવસે મુંબઈ-સુરતના ૧૦,૦૦૦ લોકોની હાજરીમાં સાધુ-સંતના હાથે ૨૫૦ ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
૨૫૦ ઑફિસમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, ધર્મનંદન ડાયમન્ડ, કિરા (વિગ્રોન), શ્રી ક્રિષ્ના, મીનાક્ષી ડાયમન્ડ, રિન્કલ ઇમ્પૅક્સ, અમૃત જેમ્સ, નારોલા ડાયમન્ડ, સૃષ્ટિ ડિયામ અને જે. કે. સ્ટાર જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
SDBના વાઇસ ચૅરમૅન અને ધર્મનંદન ડાયમન્ડના ડિરેક્ટર લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ અને સુરતમાં હીરાનું કામકાજ કરતી ૨૫૦ કંપનીઓએ SDBમાં ઑફિસોનું ઉદ્ઘાટન કર્યું છે. ટૂંક સમયમાં સ્ટેટ ઑફ આર્ટ કસ્ટમ્સ હાઉસ પણ શરૂ થઈ ગયા બાદ અહીં ઇન્ટરનૅશનલ વેપાર પણ ધમધમવા લાગશે. બુર્સમાં રેસ્ટોરાં, બૅન્ક અને આંગડિયા સર્વિસની સુવિધા પણ આપવામાં આવી છે. વેપારીઓ અને દલાલો SDB પહોંચી શકે એ માટે બસની ફ્રી સર્વિસ શરૂ કરવામાં આવી છે. અત્યારે અહીં ૭૫૦ જેટલી ઑફિસમાં ફર્નિચરનું કામકાજ ફાઇનલ સ્ટેજ પર છે. આથી દિવાળી સુધીમાં ૧૦૦૦ જેટલી કંપનીઓ અહીં ધમધમવા લાગશે.’
GJEPCની નવી ઑફિસ
SDBના ટાવર-બીમાં ધ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની ઑફિસનું ઉદ્ઘાટન ગઈ કાલે ગુજરાતના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરિયાના હાથે કરવામાં આવ્યું હતું. તેમણે બાદમાં SDBમાં શરૂ કરવામાં આવેલી વિવિધ કંપનીઓની ઑફિસની મુલાકાત લઈને શુભેચ્છા આપી હતી.