વિધાનસભામાં ગઈ કાલે શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે જાહેર કરી માહિતી
કુબેર ડીંડોર
ગુજરાતમાં ગઈ કાલથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં સ્કૂલોમાં ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો ઊઠ્યો હતો. એનો જવાબ આપતાં શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે કહ્યું હતું કે ‘૨૦૧૯થી ૨૦૨૨ દરમ્યાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મળતી ઑનલાઇન હાજરીની વિગતો પરથી ગેરકાયદે રીતે ગેરહાજર રહેતા શિક્ષકોની માહિતીનું ઍનૅલિસિસ કરીને તેમની વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. એમાંથી ગેરકાયદે રીતે અને વિદેશપ્રવાસને કારણે ગેરહાજર રહેલા ૧૩૪ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.’
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં છેલ્લા ૬ મહિનામાં કેટલા શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે એ વિશે પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘બનાસકાંઠા જિલ્લામાં સરકારી સ્કૂલોમાં કુલ ૧૨ શિક્ષકો તથા પાટણમાં સાત શિક્ષકો છે જેમાંથી કોઈ પણ શિક્ષક પગાર મેળવતો નથી. બનાસકાંઠા જિલ્લાના ૧૨ ગેરહાજર શિક્ષકોમાંથી ૬ શિક્ષકો સામે કાર્યવાહી કરીને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકો દ્વારા રાજીનામાં મંજૂરી માટે આવતાં એ મંજૂર કરવામાં આવ્યાં છે.’