ગુજરાતનું એક ગામ જ્યાં દરેક ઘરના લોકો કરે છે દેશ સેવા
Image Courtesy:Jitendrasinh, Rangpur
દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. આઝાદી બાદ પણ દેશના ઘડરતમાં, વ્યવસાયમાં ગુજરાતીઓ આગળ છે. પણ સરહદ પર દેશની સુરક્ષા કરનાર જવાનોમાં અત્યાર સુધી ગુજરાતીઓની સંખ્યા બહું ઓછી હતી. પણ હવે સરહદો પર જવાનોમાં ગુજરાતીઓની સંખ્યા હવે વધી રહી છે અને આ સંખ્યા વધારવામાં ગુજરાતનું આ ગામ મોખરે છે. જેનું નામ છે રંગપુર. ગુજરાતના પાટનરગર ગાંધીનગર જિલ્લામાં આવેલું આ ગામ અનોખું છે. ગાંધીનગરથી મહુડી જવાના હાઈવે પર માણસા તાલુકામાં આ ગામ આવેલું છે. અમદાવાદથી અંતર છે માત્ર 60 કિલોમીટર.
રંગપુર ગામમાં પ્રવેશતા જ વર્તાશે દેશભક્તિની સુગંધ
ADVERTISEMENT
તમે રંગપુર ગામના દરવાજામાં પ્રવેશ કરો કે તરત જ તેની હવાથી, તેના વાતાવરણથી અંજાઈ જાવ. અહીંની હવામાં જ તમને દેશભક્તિની સુગંધ વર્તાશે. અહીં ભૂમિમાં જ તમને દેશમાટે મરી ફીટવાની ભાવના વર્તાશે. આ રંગપુર ગામ ખાસ એટલા માટે છે કે અહીં ભૂમિ, અહીંની માતાઓ નરબંકાઓને જન્મ આપે છે. રંગપુર ગામ ખાસ એટલા માટે છે કે આ ગામમાં એક પણ ઘર એવું નથી જ્યાંથી કોઈ દેશસેવા કરવા ન ગયું હોય.
450 ઘરમાંથી 125 યુવાનો છે આર્મીમાં
દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક યુવાન તો આર્મી, SRP અથવા પોલીસમાં ભરતી થયેલો જ છે. આ ગામમાં લગભગ 450 જેટલા ઘર છે. જેમાં 125 લોકો આર્મીમાં છે, 25 જવાનો SRPમાં તો 325 જવાનો પોલીસ જીવના જોખમે ફરજ બજાવે છે. આ આંકડા જ રંગપુર ગામના લોકોની દેશભક્તિને સાબિત કરવા માટે પૂરતા છે. અહીં દેશભક્તિના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળે છે. ગામમાં સમજણા થયેલા છોકરાની ઉંમર ગમે તે હોય, પણ તમને તેને પૂછશો કે બેટા તારુ સપનું શું છે, તો જવાબ એક જ મળશે. સૈન્યમાં જવું છે, કે પોલીસમાં જવું છે. ગામના નાના નાના બાળકો પણ એક જ ધ્યેય સાથે મોટા થાય છે, આ ધ્યેય છે માતૃભૂમિની રક્ષાનું. અને આ વાત ફક્ત કહેવા પૂરતી નથી, 12-13 વર્ષના બાળકો પણ ગામના યુવાનો સાથે શારીરીક રીતે સશક્ત થવા તૈયારી કરતા તમને ગામમાં જ મળી આવશે.
એકનો એક દીકરો હોય તો પણ આર્મીમાં મોકલે છે : ક્રિષ્નાબા જાડેજા
સામાન્ય રીતે કોઈ ગામમાં જે વ્યક્તિની આર્થિક સ્થિતિ સદ્ધર હોય, તેને સૌથી વધુ માન મળે. પરંતુ અહીં રંગપુરમાં સ્થિતિ જુદી છે. અહીં જે ઘરમાંથી સૌથી વધુ લોકો સૈન્યમાં કે પોલીસમાં હોય તેનું માન સૌથી વધુ હોય છે. ગામના સરપંચ ક્રિષ્નાબા ચાવડા કહે છે કે,'અમારા ગામનું નામ આ જ કારણે ગર્વથી લેવાય છે. મને પણ ગામના છોકરાઓ પર, માતાપિતા પર ગર્વ છે.' સૈન્યમાં અને પોલીસમાં બંનેમાં જીવનું જોખમ હોય છે. તેમ છતાંય માતા-પિતા ખુશી ખુશી પોતાના બાળકોને માતૃભૂમિના ચરણે ધરી દે છે. સરપંચ ક્રિષ્નાબા જાડેજા કહે છે કે,'ભલે એકનો એક જ દીકરો હોય, પણ આર્મીમાં મોકલતા મારા ગામના લોકો અચકાતા નથી.'
ગામના લોકો પાટણ વસાવનાર વનરાજ ચાવડાના છે વંશજ
આ વાત આજ કાલની નથી. રંગપુર ગામમાં મોટા ભાગની વસ્તી દરબાર સમુદાય એટલે કે ક્ષત્રિયોની છે અને ક્ષત્રિઓની જવાબદારી કહો કે પછી તેમના લોહીમાં જ માતૃભૂમિનું રક્ષણ કરવાની ભાવના હોય છે. આ ગામનો ઇતિહાસ સૈકાઓ જૂનો છે. ગામના એક અગ્રણી કહે છે કે આ ગામના લોકો પાટણ શહેર વસાવનાર વનરાજ ચાવડાના વંશજો છે. તેમના વડવાઓ પણ યુદ્ધ લડવા જતા હતા અને આજે પણ ગામના દરેક પરિવારે તે વારસો સાચવી રાખ્યો છે.
આર્મી હોય છે પહેલો પ્રેફરન્સઃ જીતેન્દ્રસિંહ
આમ તો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. પરંતુ છેલ્લી બે પેઢીથી ગામના દરેક પરિવારના લોકો આર્મી કે પોલીસમાં જ છે. પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા ગામના યુવાન જીતેન્દ્રસિંહનું કહેવું છે કે,'અમે બધી જ સરકારી ભરતીની તૈયારી કરીએ છીએ, પરંતુ અમારો પ્રેફરન્સ પહેલા આર્મી અને બીજી પોલીસ હોય છે.' ગામમાંથી ભલે દરેક પરિવારના લોકો દેશસેવા કરતા હોય, પરંતુ કદાચ સરકારનું ધ્યાન અહીં નથી ગયું. શારીરીક રીતે મજબૂત થવા ગામના યુવાનો અને લોકોએ જ ફાળો કરીને શાળામાં જીમ ઉભુ કર્યું છે. જિતેન્દ્રસિંહ કહે છે કે અમે સવાર સાંજ સાથે દોડવાની પ્રેક્ટિસ કરીએ અને સાથે જ શાળામાં થોડાક સાધનોથી કસરત કરીએ છીએ. સર્વિસમાંથી નિવૃત્ત થયેલા લોકો, કે પછી પાસ થયેલા યુવાનો ગામના નાના યુવાનોને તાલીમ આપે છે . હાલ SRPમાં ફરજ બજાવતા વનરજાસિંહનું કહેવું છે કે છોકરાઓ શારીરીક તૈાયરીઓની સાથે થિયરની તૈયારી પણ કરે છે. ભરતી નજીક આવે ત્યારે એક જગ્યાએ ભેગા થઈને વાંચવા બેસે. એકબીજાને પુસ્તકો સજેસ્ટ કરે છે. અને કોઈને ન ખબર પડે તો શીખવતા પણ રહે છે. આ જ રીતે સાથે ચાલવાની ભાવનાથી લોકો આગળ ચાલે છે. સરપંચ ક્રિષ્નાબા ચાવડાનું કહેવું છે કે,'અમારી સરકારને અરજ છે કે ગામ પર ધ્યાન આપે, અને છોકરાઓને તૈયારી માટે સુવિધા કરી આપે. અમારા બાળકોને તૈયારી માટે એક ગ્રાઉન્ડની પણ જરૂર છે.'
આ પણ વાંચોઃ દેશની સુરક્ષા કરે છે સુરતના હજીરામાં બનેલી આ અત્યાધુનિક ટેન્ક
આપણે માનીએ કે ન માનીએ પરંતુ દેશભક્તિનો ખુમાર તો ગણતરીના પ્રસંગોએ જ જોવા મળે છે. પરંતુ રંગપુર ગામ દેશભક્તિના રંગે એવું રંગાયું છે કે અહીં બાળકો જન્મે જ છે દેશની સેવા માટે. 15મી ઓગસ્ટે આવા ગામના તમામ લોકોને શત શત પ્રણામ.