2500 કિલો નકલી પનીર બાદ હવે વસઈમાં 250 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત
વસઈની ડેરીમાંથી ખરાબ અને બનાવટી મીઠાઈ જપ્ત કરવામાં આવી હતી.
વસઈમાં પોલીસની ટીમને એક જાણીતી ડેરીમાં છાપો મારીને ૨૫૦ કિલો બનાવટી મીઠાઈ મળી આવી છે. આ છાપા દરમ્યાન લગભગ ૧૧૦ કિલો ખરાબ મીઠાઈ પણ મળી આવી છે. આ ખરાબ મીઠાઈ મનુષ્ય કે જનાવરો માટે પણ ખાવાલાયક નથી. છાપામાં ૧૫૦ કિલો વાસી મીઠાઈ પણ જપ્ત કરવામાં આવી હતી. આ વાસી મીઠાઈને રીસાઇકલ કરીને એને ખરાબ થયેલી મીઠાઈ સાથે મિક્સ કરવામાં આવતી હતી. થાણે ફૂડ ઍન્ડ ડ્રગ્સ દ્વારા સૅમ્પલને ટેસ્ટિંગ કરવા માટે લઈ જવામાં આવ્યાં છે. મીઠાઈ સાથે છાપો મારીને મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે તેમ જ ડેરીને સીલ પણ કરવામાં આવી છે.
વસઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વિજયકાન્ત સાગરના કહેવા પ્રમાણે વસઈ હાઇવે તરફ આવેલી મંગલ ડેરીમાં છાપો મારવામાં આવ્યો હતો. ઢાબા, હોટેલોમાં, ખાણીપીણીના આઉટલેટમાં આ મીઠાઈ વેચવામાં આવતી હતી. આ મીઠાઈઓમાં દૂધના કેક, પેંડા, બરફી, લાડુનો સમાવેશ છે. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં વસઈમાં આવેલી સાઈનાથ ડેરી અને અજય ડેરીમાં છાપો મારીને ૨૫૦૦ કિલો ખરાબ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. ડિટર્જન્ટ, મલાઈ કાઢી લીધેલું દૂધ, ઍસિડ અને અન્ય કેમિકલનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હતું. આ પનીર રિસૉર્ટ, હોટેલ, રસ્તા પર આવેલા ઢાબામાં વેચવામાં આવતું હતું. નાના કૅટરર્સ અને નાના આઉલેટને ૩૫૦ રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવતું હતું. થાણેના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા પનીરનાં સૅમ્પલ લઈ જઈને લૅબોરેટરીમાં ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યાં હતાં અને એના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ વિભાગ અમારી સાથે કામ કરતું હોવાથી લોકોના સ્વાસ્થ સાથે રમતા લોકોને પકડવામાં આવી રહ્યા છે.