મુલુંડના કાલિદાસ સ્વિમિંગ-પૂલમાં ગંદવાડ
સ્વિમિંગ પૂલમાં લીલુ પાણી
મુલુંડમાં કાલિદાસ સ્વિમિંગ પૂલને નામે જાણીતા તરણહોજમાં વહીવટી શિથિલતા, બેદરકારી અને સ્વચ્છતાના અભાવે ૪૦૦૦ કરતાં વધારે ઍક્ટિવ મેમ્બર્સ પરેશાન છે. વારંવાર કેટલાંક અઠવાડિયાં માટે એ સ્વિમિંગ પૂલ બંધ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે સ્વિમિંગ પૂલનું પાણી ભૂરા રંગનું હોય છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના પ્રિયદર્શિની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના આ સ્વીમિંગ પૂલમાં ટાઇલ્સની સફાઈના અભાવે અને જૂના ફિલ્ટ્રેશન પ્લાન્ટની નબળી કાર્યક્ષમતાને કારણે અસ્વચ્છ પાણી હંમેશાં લીલું દેખાય છે.
બૅડ્મિન્ટન કોર્ટ, બૉક્સિંગ રિંગ, જિમ્નૅશ્યમ અને ખુલ્લું મેદાન ધરાવતા પ્રિયદર્શિની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મેમ્બર્સને ચોરીનો પણ ભય સતાવતો હોય છે. સભ્યોએ ચોરી વિશે ફરિયાદ કરી ત્યારે અધિકારીઓએ તેમને કૉમ્પ્લેક્સની અંદર કીમતી ચીજો નહીં લાવવાની સૂચના આપી હતી. કાલિદાસ સ્વિમિંગ પૂલમાં ૨૫ x ૨૫ મીટરનો ડાઇવિંગ પૂલ અને ૨૫ x ૫૦ મીટરનો તરણહોજ એમ બે પૂલ છે. એમાં બાળકોને પણ તરવાની તાલીમ અપાતી હોય છે. મેમ્બર્સની ઢગલાબંધ ફરિયાદો તરફ મુંબઈ મહાનગરપાલિકા સહેજ પણ ધ્યાન આપતી નથી.
ADVERTISEMENT
લોકસભામાં ઇશાન મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય મનોજ કોટકે કાલિદાસ સ્વિમિંગ પૂલની સમસ્યા બાબતે જણાવ્યું હતું કે ‘મેં આ બાબતે મુંબઈ મહાનગરપાલિકા અને વૉર્ડ ઑફિસને જાણ કરી છે. પ્રિયદર્શિની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના મેમ્બર્સની મુશ્કેલીઓ વિશે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને પત્રો લખ્યા છે. ફિલ્ટ્રેશન પ્લાન્ટનું તાત્કાલિક સમારકામ આવશ્યક છે, પરંતુ એ બધી સમસ્યાઓ તરફ મહાપાલિકા આંખ આડા કાન કરે છે.’
પ્રિયદર્શિની કૉમ્પ્લેક્સનું સંચાલન કરતા મુંબઈ મહાનગરપાલિકાનું ટ્રસ્ટ બૃહન્મુંબઈ ક્રીડા અને લલિતકલા પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી અને શિવસેનાના નેતા આદેશ બાંદેકરે અને પાલિકાના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિશોર ગાંધીએ આ બાબતમાં ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો.
દરમ્યાન આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે બીજેપીના સંસદસભ્ય મનોજ કોટકે કાલિદાસ સ્વિમિંગ પૂલ તથા અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓના આક્ષેપો કર્યા પછી બીજેપી અને શિવસેના વચ્ચે બન્ને ઠેકાણેની સુવિધાઓ બાબતે ગજગ્રાહ ચાલી રહ્યો છે. મનોજ કોટકે બૃહન્મુંબઈ ક્રીડા અને લલિતકલા પ્રતિષ્ઠાનમાં શિવસેનાના ટ્રસ્ટીના સ્થાને બીજેપીના ટ્રસ્ટી લાવવાના ઇરાદે ગેરરીતિના આક્ષેપો કર્યા હોવાનો દાવો શિવસેનાના નેતાઓ કરે છે.