‘ઘરમાં કૅશ રાખીએ તો બ્લૅક મની અને બૅન્કમાં રાખવાનું ઘણું ડેન્જરસ છે’
યસ બૅન્કના ખાતાધારકો
શહેરના નાગરિકો હજી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્કની નાણાકીય કટોકટીના ઉકેલની રાહ જુએ છે એવામાં યસ બૅન્ક ખાડામાં ઊતરી ગઈ હોવાના સમાચારથી અનેક લોકોને આંચકો લાગ્યો છે. પીએમસી બૅન્કના ભવાડા વખતનાં દૃશ્યો ફરી તાજાં થઈ રહ્યાં છે. યસ બૅન્કની શાખાઓના દરવાજે ચિંતાતુર લોકોની કતાર લાગી છે. બૅન્કે ત્રીજી એપ્રિલ સુધી એક વખત ઉપાડની મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયાની નક્કી કરી છે, પરંતુ ભવિષ્યની બચતની સ્થિતિની ચિંતા કરતા ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયાં છે. જોકે ઉચ્ચ અભ્યાસ, લગ્ન અને મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં ઉપાડની મર્યાદામાં ઢીલ મૂકવાની જોગવાઈ બૅન્કે રાખી છે.
શેખ સદ્દામ હુસેન નામના એક ખાતાધારકે કહ્યું હતું કે તેઓ કહે છે કે ત્રીજી એપ્રિલ સુધી રાહ જુઓ. તેમનું કહેવું છે કે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્થિર થશે પણ પ્રશ્ન એ છે કે ત્યાં સુધી હું શું કરું? મારે મારા પરિવારની કાળજી લેવાની છે. બૅન્કો હવે સલામત નથી રહી. જો કૅશ ઘરે રાખો તો એને બ્લૅક મની કહેવામાં આવે છે અને જો એ બૅન્કમાં હોય તો એ ડેન્જરસ છે.
ADVERTISEMENT
રેડીમેડ ગાર્મેન્ટ્સના દુકાનદાર સંચિત સથવારા યસ બૅન્કના ખાર શાખામાં પહોંચ્યા ત્યારે ત્યાં કૅશ નહોતી. વળી એ બૅન્કનાં એટીએમ અને ઇન્ટરનૅટ બૅન્કિંગ ફૅસિલિટીઝ પણ નિષ્ક્રિય હોવાથી લોકોની ચિંતા વધી ગઈ હોવાનું સથવારાએ જણાવ્યું હતું.
અન્ય ગ્રાહક ટ્રાવેલ કંપનીના કર્મચારી પંચમ પ્રધાન યસ બૅન્કની બાંદરા-ઈસ્ટની શાખામાં પહોંચ્યા ત્યારે કપરો અનુભવ થયો હતો.
પંચમ પ્રધાને જણાવ્યું કે ‘અમારી કંપનીએ દરરોજ ૫૦,૦૦૦ રૂપિયાનો ઉપાડ કરીને આખી રકમ ઉપાડી લેવાની તૈયારી કરી છે. હાલના સંજોગોમાં અમારી કંપની કોઈ જોખમ લેવા ઇચ્છતી નથી.’
શેખ સદ્દામ હુસેન
બૅન્કના અન્ય ખાતેદાર ફૈઝલ હુસેને જણાવ્યું કે ‘મારા પૈસા ઉપાડવા માટે હું આખો દિવસ બૅન્કમાં બેસી રહ્યો હતો. હું અને મારા અંકલ અમે બન્ને જણે વારાફરતી આવીને ખાતામાંથી બધી રકમ ઉપાડી લેવાનું વિચાર્યું છે. અમારી મોબાઇલ ફોનની અનેક દુકાનો છે. પૈસા ગુમાવવાનું અમને પરવડે એમ નથી.’
આ પણ વાંચો : મહારાષ્ટ્ર બજેટ : પેટ્રોલ-ડીઝલ મોંઘાં, પણ ખેડૂતોને બખ્ખા
સંગીતા રેડ્ડી નામનાં ગ્રાહક સાંજે ૪.૩૦ વાગ્યે પૈસા ઉપાડવા બૅન્કમાં પહોંચ્યાં ત્યારે તેમને બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું હતું. રેડ્ડીને બૅન્કમાં પૈસા લેવા જવા માટે ઑફિસમાંથી રજા લેવી પડે એમ છે. તેમણે કટોકટીના સંજોગોમાં બૅન્કના વર્કિંગ અવર્સ વધારવાની માગણી કરી છે.

