મુંબઈ: માતા સાથે આડા સંબંધ રાખનાર રિક્ષાવાળાને પુત્રે પતાવી નાખ્યો
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં સોમવારે બપોરે એક યુવાને રિક્ષાવાળાને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની હતી. મૃતકના માતા સાથે આડા સંબંધ હોવાનું જાણ્યા બાદ આક્રોષમાં આવીને ઘરમાં જ ઢોરમાર મારતાં રિક્ષાવાળાનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મુલુંડ પશ્ચિમમાં રવિ ખાંટે એની માતા સાથે રહે છે. માતા રસોઈ બનાવીને લોકોને ઘરમાં જમાડવાનું કામ કરે છે, જ્યારે રવિ બાંધકામની સાઈટ પર મજૂરી કરે છે. ઘરે જમવા આવનારાઓમાં રિક્ષા ચલાવતો દેવેન્દ્ર સિંહ (૫૫) પણ સામેલ હતો. દેવેન્દ્રની આંખ રવિની માતા સાથે મળી જતાં એમની વચ્ચે મિત્રતા થઈ હતી. આ વાતની જાણ થતાં રવિએ દેવેન્દ્રને માતાથી દૂર રહેવા સમજાવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસે ઉમેર્યું હતું કે રવિની સમજાવટ બાદ પણ દેવેન્દ્ર માનતો નહોતો અને એણે એના ઘરે જમવાનું અને રોકાવાનું ચાલું રાખ્યું હતું. સોમવારે બપોરે રવિ ઘરે આવ્યો ત્યારે એણે દેવેન્દ્રની સાથે પોતાની માતાને વાંધાજનક સ્થિતિમાં જોયાં હતાં. આથી આક્રોશમાં આવીને આરોપી રવિએ દેવેન્દ્રને ઘરમાં ઢોરમાર મારતાં એ ગંભીર રીતે ઘવાતાં એનું ઘરમાં જ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : મુંબઈ: અબ્દુલ રહેમાન સ્ટ્રીટના શૉપિંગ કૉમ્પ્લેક્સની આગમાં ભારે નુકસાની
મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ સાંજે આરોપી રવિની માતાએ પોલીસને જાણ કરતાં પોલીસે દેવેન્દ્ર સિંહના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.