મૉબ મેન્ટાલિટી: આ ટોળાને કોઈ સમજણ આપો, આ ટોળાશાહીને કોઈ બુદ્ધિ આપો
મૉબ મેન્ટાલિટી હજી પણ અટકી નથી. આટલું લખાઈ ગયું, આટલું કહેવાઈ ગયું એ પછી પણ, આજે પણ સૌકોઈ એક જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છે; સમજણ આપી દઈએ, પાઠ ભણાવી દઈએ, સીધાદોર કરી દઈએ. જો આવું જ ચાલતું રહ્યું તો દેશમાં કાયદાનું કોઈ માન નહીં રહે અને જે દેશમાં કાયદાનું રાજ નથી હોતું એ દેશ રાક્ષસોના હાથમાં આવી જાય છે. બહેતર છે કે આ મૉબ મેન્ટાલિટી છોડીને ઍટ લીસ્ટ બુદ્ધિનો ઉપયોગ કરીને કાયદાનું પાલન કરો.
હમણાં જમ્મુમાં બન્યું. એક માણસ એક બાળકીને રસ્તો ક્રૉસ કરાવતો હતો અને કોઈકે એવું ધારી લીધું કે તે બાળકીને ઉપાડી જાય છે એટલે તેણે સીધી જ તોછડાઈ અને મારામારી શરૂ કરી, જોતજોતાંમાં માણસો ભેગા થઈ ગયા અને ભેગા થઈ ગયેલા સૌકોઈએ બુદ્ધિને કોરાણે મૂકીને ન્યાય કરવાનું આરંભી દીધું. આખી ઘટનાની જ્યારે જાણ થઈ ત્યારે શરમના માર્યા કોઈ ત્યાં ઊભા પણ રહ્યા નહીં. બન્યું એવું કે પેલી નાની બાળકી તેનાં માબાપથી વિખૂટી પડી ગઈ હતી અને રસ્તા પર એકલી ઊભી એક ખૂણામાં રડતી હતી. પેલા ભાઈ, જે તેને લઈને જતા હતા એ ભાઈને બિચારાને દયા આવી એટલે તેણે પેલી બાળકી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ પેલી એટલી રડતી હતી કે કંઈ બોલી નહોતી શકતી. ભાઈએ બિચારાએ તેને ચૉકલેટ લઈ આપવાની વાત કહીને માંડ થોડી શાંત કરી અને તે બાળકીને લઈને રસ્તો ક્રૉસ કરીને સામેની બાજુએ ચૉકલેટ લેવા લઈ જઈ રહ્યા હતા. કાગનું બેસવું ને ડાળનું પડવું.
ADVERTISEMENT
બાળકીને રડતી જોઈને પેલા વીર જવાનને લાગ્યું કે આ તો ચાઇલ્ડ એબ્યુઝનો કેસ લાગે છે. એ જવાંમર્દ તો તરત જ વચ્ચે પડ્યો અને આખી બાજી તેણે બગાડી નાખી. હવે હાલત એવી થઈ કે પેલા ભાઈને એટલો માર પડ્યો કે એ ભાઈને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા. નસીબજોગ બધા તેને મારતા હતા ત્યારે જ પેલી બાળકીનાં મમ્મી-પપ્પા આવી ગયાં અને આખી વાતની ખબર પડી. પછી શું, મારતા હતા તેઓ કોઈ ત્યાં દેખાય જ નહીં. મૉબ મેન્ટાલિટી છોડવી પડશે. જો એ છોડી નહીં શકીએ તો આપણે રાક્ષસ યુગની દિશામાં ધકેલાઈ જઈશું અને સારપ કરવા માંગતા સારા લોકોને પણ સારપ કરતાં અટકાવી દઈશું.
મૉબ મેન્ટાલિટીનો નાશ થવો જરૂરી છે અને એને માટે કંઈ નવું કરવાની જરૂર નથી. સમજણ અને જવાબદારીને આંખ સામે રાખવાનાં છે. આંખ સામે જેકંઈ ઘટી રહ્યું છે એ જ સાચું એવું ધારવું એ હવેના સમયમાં ભૂલભર્યું છે. જો પૂછપરછ કરવામાં આવે અને પૂછપરછ પછી પણ જો જવાબદારી સાથે કામ કરતી ઑથોરિટીને બોલાવી લેવામાં આવે તો આંધળે બહેરું કુટાઈ જવાની બીક નીકળી જાય. માન્યું કે હાજર હોય એ બધા ડાહ્યા નથી હોતા, પણ કોઈ એક તો ડહાપણ દેખાડી શકેને, કોઈ એક તો ઈશ્વરે આપેલી બુદ્ધિ વાપરી શકેને?
આ પણ વાંચો : મૈંને હરરોજ ઝમાને કો રંગ બદલતે દેખા હૈ ઉમ્ર કે સાથ ઝિંદગી કે ઢંગ બદલતે દેખા હૈ
વાપરવી પડશે. બુદ્ધિ વાપરવાથી ઘટતી નથી એ સહજ રીતે સમજી લેજો.