મૈંને હરરોજ ઝમાને કો રંગ બદલતે દેખા હૈ
કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી બાન પંક્તિ ખૂબ જ પ્રચલિત છે. જે અર્જુનના ગાંડિવના ટંકારથી ધરણી ધ્રૂજતી, આકાશ કંપતું, પાતાળ ડગમગતું એ જ અર્જુનને વખત જતાં કાબા નામનો એક આદિવાસી, વગડાનો એક મામૂલી લૂંટારો લૂંટી ગયો એ કાળની લીલા નહીં તો બીજું શું? જેવું અર્જુનનું થયું એવું જ કૃષ્ણનું થયું. જે કૃષ્ણ જગોદ્ધારક, તિમિર તારક, ગૌબ્રાહ્મણ પ્રતિપાલક, નોધારાના આધાર ગણાતા હતા એ પોતે જ એક સમયે નિરાધાર, લાચાર બની ગયા. એટલી હદે કે કૃષ્ણે નારદમુનિ પાસે પોતાનું હૈયું ખોલવું પડે છે ને સલાહ માગે છે. તેઓ નારદજીને કહે છે કે તમે આત્મીય છો એટલે થોડુંક હૈયું હળવું કરવું છે ને આપનું માર્ગદર્શન ઇચ્છું છું. હું જ્ઞાતિજનોની ધન ખર્ચીને સેવા કરી રહ્યો છું પણ મારી એ લોકોને કંઈ કદર જ નથી, મને ગાંઠતા નથી, મારું કહ્યું માનતા નથી. મારે માટે ન બોલવાનાં વેણ બોલે છે એ હું સાંભળી તો લઉં છું, પણ હૃદયમાં આગ લાગી જાય છે. સૌ પોતપોતાનામાં મસ્ત છે. બળરામ પોતાની તાકાતમાં, પ્રદ્યુમન પોતાના રૂપમાં મસ્ત થઈને ફર્યા કરે છે. યાદવોમાં જૂથ પડી ગયાં છે. એક અક્રૂરનો પક્ષ બીજો આહુકનો. આ બન્ને પક્ષો મને પોતપોતાને પક્ષે ખેંચી જવાના પ્રયત્ન કરે છે. હું કોઈની પસંદગી કરી શકતો નથી. બે દીકરા એકબીજા સામે ખુન્નસે ચડ્યા હોય ત્યારે મા કોની જીત થાય ને કોની હાર થાય એ જેમ નક્કી કરી શકતી નથી ને પીડા ભોગવે છે એવી જ પીડા હું ભોગવી રહ્યો છું. જે સમાજ માટે, જ્ઞાતિ માટે, કુટુંબ માટે મેં મારું સર્વસ્વ હોમી દીધું, મારા વ્યક્તિગત સુખ કે આનંદનો ક્યારેય વિચાર કર્યા વગર આ લોકોના સુખ માટે હું અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યો એનો આવો બદલો?
જીવનના અંતકાલમાં કૃષ્ણની જે સ્થિતિ હતી એવી જ મહાત્મા ગાંધીની હતી. આઝાદી મળ્યા પછી અનુયાયીઓએ તેમને એક બાજુ મૂકી દીધા હતા. બાપુએ પોતે જ કહેવું પડ્યું હતું કે હવે મને કોઈ સાંભળતું નથી, મારું કહ્યું કોઈ માનતું નથી. બાપુની વાત જવા દો, આપણા મોટા ભાગના કુટુંબના વડીલોની દશા આ જ છે. જે સંતાનોને વડીલોએ બોલતાં શીખવાડ્યું હોય તે વડીલોને ચૂપ રહેવાનું શીખવે, જેને વડીલે આંગળી ઝાલી ચાલતાં શીખવાડ્યું હોય તે વડીલને એક ખૂણામાં રહેવાનું શીખવે, પીઠ પર બેસાડી જે સંતાનોને ઘોડો-ઘોડો રમાડવા વડીલ ઘોડો બન્યા હોય એ જ સંતાન વડીલને ગધેડા સમજી વ્યવહાર કરે ત્યારે તેમના મનની વ્યથા કૃષ્ણ-ગાંધીથી ઓછી નથી જ હોતી. પાંખ આવે ને ઊડી જાય એનો અફસોસ વડીલોને ક્યારેય હોતો નથી પણ ચાંચ મારીને ઊડે ત્યારે જીરવવું બહું આકરું થઈ પડે છે.
ADVERTISEMENT
કૃષ્ણની વ્યથા પોતાનાઓએ ચાંચ મારી એની હતી. યાદવોએ અંદરોઅંદર લડી, ઝઘડી સત્યાનાશ વહોરી લીધો. ભવિષ્યની પેઢી માટે ‘યાદવાસ્થળી’ શબ્દને અમર કરી દીધો. લાચાર કૃષ્ણ એ યાદવાસ્થળી રોકી ન શક્યા. કૃષ્ણ મહાભારતનું યુદ્ધ રોકી ન શક્યા, રોક્યું નહીં કેમ કે એ ધર્મયુદ્ધ હતું, અધર્મ સામેનું યુદ્ધ હતું; પણ યાદવાસ્થળી તો ઘરનું યુદ્ધ હતું, અંદરોઅંદર, આપસ- આપસમાં કપાઈ મરવાની વાત હતી. કૃષ્ણ એને ન રોકી શક્યા?
યુવાન વયે મારા મનમાં પણ આ યક્ષ પ્રશ્ને ઘણી વાર ભરડી લીધો હતો. ગીતામાં શ્રીકૃષ્ણે પોતે જ કહ્યું છે કે
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ્ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ।
જ્યારે-જ્યારે ધર્મની હાનિ થશે કે અધર્મની વૃદ્ધિ થશે ત્યારે-ત્યારે હું પ્રગટ થઈશ. શું યાદવાસ્થળી જેવી મહાદુર્ઘટના અધર્મ નહોતો? ત્યારે ભગવાનને પ્રગટ થવાનો પણ પ્રશ્ન નહોતો. તે હાજરાહજૂર હતા. વળી એ પછીના જ શ્લોકમાં કહે છે કે
પરિત્રાયાણ સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે।
સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મો કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે-યુગે પ્રગટ થાઉં છું. આનો અર્થ શું? તે પોતે પ્રગટ હતા છતાં સાધુ પુરુષોની મશ્કરી થઈ, યાદવોએ હાંસી ઉડાવી, દારૂ પીને છાકટા થયા, સ્ત્રીઓની મર્યાદાનો ભંગ કર્યો, વૃદ્ધોની માનહાિન કરી. આ બધો અધર્મ નહોતો? શું કામ કૃષ્ણ સાક્ષીભાવે બધું જોઈ રહ્યા?
યુવાન વયે જે પ્રશ્ન થકી મને દ્વિધા હતી એનો પાછળથી મને જવાબ મળી ગયો. જુદાં-જુદાં કૃષ્ણ ચરિત્રો અને પુરાણોનો અભ્યાસ કરવાથી. એક આડવાત. બાળપણમાં જે વાંચ્યું હોય એ ફરીથી યુવાનીમાં વાંચવું જોઈએ. યુવાનીમાં જે વાંચ્યું હોય એ ફરીથી વૃદ્ધાવસ્થામાં વાંચવું જોઈએ. એકનું એક લખાણ આપણી સમજણશક્તિના વિકાસ સાથે કેટલું બદલાયેલું લાગશે! આપણા આજના વિચારો આવતી કાલે પરિપક્વવ થાય ત્યારે આપણે કરેલા તર્કોની સાચી સમજણ મળે છે. ગાંધીજી એટલે જ કદાચ કહેતા હતા કે હું છેલ્લે બોલ્યો હોઉં એને જ પ્રમાણ માનવું. મૂળ વાત પર આવીએ.
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી એક સૌથી વિકટ સમસ્યા ઊભી થઈ. ઉગ્ર તપસ્વિની ગાંધારીના ક્રોધનો કેમ સામનો કરવો? ગાંધારી સામે ઊભા રહેવાની હિંમત કોણ કરે? કૃષ્ણ સિવાય બીજું કોણ? આપણા સમાજમાં પણ આવી કેટલીક વિરલ વ્યક્તિ હોય છે જેને અળખામણાં, અણગમતાં કામ કરવા આગળ ધરાય છે અને પોતાનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે લાભ ન હોવા છતાં પણ તે હોંશે-હોંશે આવાં કામ કરે પણ છે. કૃષ્ણ ગાંધારી પાસે ગયા. કુરુકુળના વિનાશથી ગાંધારી ક્રોધિત તો હતાં જ એમાં કૃષ્ણએ સામે આવી બળતામાં ઘી હોમ્યું. ગાંધારીએ કૃષ્ણને ન કહેવાનાં વેણ કહ્યાં, ‘પાંડવો અને કૌરવો અરસ-પરસ લડીને ખુવાર થયા એનું કારણ તમે જ છો. શા માટે તમે આ વિનાશને તટસ્થતાપૂર્વક જોઈ રહ્યા?’
પછી ઉગ્રસ્વરૂપ ધારણ કરી દીધું, ‘મેં જે કંઈ તપ કર્યું છે એના બળથી હું ગાંધારી તમને, ચક્રધારી કૃષ્ણને શાપ આપું છું કે પરસ્પરને હણનાર કુરુ-પાંડવોનો વિનાશ તમારી આંખે જોયો છે એમ જ તમારા યાદવ કુળનો વિનાશ પણ જોશો એટલું જ નહીં, તમે એના નિમિત્ત પણ બનશો. આજથી બરાબર ૩૬મા વર્ષે તમારા જ્ઞાતિજનો, સાથીઓ, સલાહકારો, કુટુંબીજનો હણાશે. એકબીજાને હણશે. તમે જંગલમાં રખડતા હશો ત્યારે અતિશય કુત્સિત રીતે તમારું મૃત્યુ થશે. દીકરાઓ અને ભાઈઓ હણાયા પછી આજે જેમ ભરતવંશની સ્ત્રીઓ કકળાટ કરે છે એ જ રીતે યદુવંશની સ્ત્રીઓ પણ કરશે.’
કૃષ્ણે હસતાં-હસતાં કહ્યું કે આપનાં વચનો સત્ય થાઓ. આમ પણ સમસ્ત પૃથ્વી પર વૃષ્ણિકુળ એટલું બળવાન છે કે એનો વિનાશ મારા સિવાય બીજું કોણ કરી શકે?
શું ગાંધારીનો શાપ મિથ્યા ન થાય એટલા માટે કૃષ્ણે યાદવાસ્થળી થવા દીધી? ના, મહત્ત્વનું એક બીજું પણ કારણ છે. સ્થળસંકોચને કારણે યાદવાસ્થળીની વાત સાથે આગલા સપ્તાહે.
અને છેલ્લે...
કૃષ્ણે ઘણાને તાર્યા, પણ પોતાનાને જ ન તારી શક્યા. કેમ? કારણ કે યાદવો કૃષ્ણના તિરસ્કૃત બન્યા હતા. રામકથા અને કૃષ્ણકથામાં ઘણો વિરોધાભાસ છે તો કેટલુંક સામ્ય પણ છે. લંકા પાર કરવા સેતુ બંધાયો. રામ નામથી પથરા તર્યા. રામના મનમાં આ વાત ગળે ઊતરે નહીં. રામ એકલા સમુદ્રકિનારે ગયા. હનુમાનજીએ આ જોયું. થયું કે પ્રભુ એકલા ત્યાં શું કરતા હશે? કૂદકો મારીને પાછળ આવીને ઊભા રહ્યા. રામે એક પથ્થર ઊંચકીને સમુદ્રમાં નાખ્યો, ડૂબી ગયો. પછી નાનો પથ્થર નાખ્યો, ડૂબી ગયો. પછી એક કાંકરી ઊંચકીને નાખી એ પણ ડૂબી ગઈ. રામ એકદમ નિરાશ થઈ ગયા. લોકો પોતાની ખોટી પ્રશંસા કરે છે એ વાતનું દુ:ખ થયું. તે પાછા ફર્યા ત્યાં હનુમાનજીને જોયા. હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, તમારા મનમાં ઊઠેલા પ્રશ્નનો જવાબ મારી પાસે છે. શ્રીરામ જેને પોતાનો માનીને હાથમાં રાખે છે તે તરે છે, પણ જ્યાં રામજી પોતે જ જેને તરછોડે એ કેમ તરે? એને તો ડૂબવાનું જ હોય.
કૃષ્ણે જ યાદવોને ત્યજ્યા હતા તો તેને કોણ તારે?
સમાપન
શેક્સપિયરે ભલે કહ્યું કે ‘વૉટ ઇઝ ધેર ઇન અ નેમ?’ પણ હનુમાનજીએ નામનો મહિમા કર્યો છે. ભાગવતમાં એક ઠેકાણે એવો ઉલ્લેખ છે કે રામે જ્યારે સમુદ્રમાં પથ્થર નાખ્યો ને ડૂબી ગયો ત્યારે નિરાશ થયેલા રામને હનુમાનજીએ કહ્યું કે તમારા નામમાં જે શક્તિ છે એ તમારા હાથમાં નથી. મને આ વાત અદ્ભુત લાગે છે. સર્વકાલીન સત્ય લાગે છે. સાંપ્રતકાળમાં તો આનાં અસંખ્ય ઉદાહરણો આપી શકાય એમ છે. ‘હું ફલાણા-ફલાણા ગૃહ પ્રધાનનો સેક્રેટરી છું કે ફલાણા-ફલાણા મુખ્ય પ્રધાનનો સાળો છું એ નામો જ કેવો ચમત્કાર સર્જે છે એ આપણે ક્યાં નથી જાણતા? નામનો એક ખાસ પ્રભાવ છે.
નામ હૈ તો દામ હૈ દામ હૈ તો નામ હૈ
નામ દામ હો તો બાકી કા ક્યા કામ હૈ?
આ પણ વાંચો : પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે એ પર્યુષણ
કૃષ્ણની વ્યથા પોતાનાઓએ ચાંચ મારી એની હતી. યાદવોએ અંદરોઅંદર લડી, ઝઘડી સત્યાનાશ વહોરી લીધો. ભવિષ્યની પેઢી માટે ‘યાદવાસ્થળી’ શબ્દને અમર કરી દીધો. લાચાર કૃષ્ણ એ યાદવાસ્થળી રોકી ન શક્યા. કૃષ્ણ મહાભારતનું યુદ્ધ રોકી ન શક્યા, રોક્યું નહીં કેમ કે એ ધર્મયુદ્ધ હતું, અધર્મ સામેનું યુદ્ધ હતું; પણ યાદવાસ્થળી તો ઘરનું યુદ્ધ હતું, અંદરોઅંદર, આપસ- આપસમાં કપાઈ મરવાની વાત હતી. કૃષ્ણ એને ન રોકી શક્યા?