ઈશાન મુંબઈમાંથી ટિકિટ તો ગુજરાતીને જ મળશે: પ્રકાશ મહેતા
પ્રકાશ મહેતા
ઈશાન મુંબઈની બેઠક પરથી કોને ટિકિટ આપવી એ મુદ્દે શિવસેના-BJPના નેતાઓ આમનેસામને આવી ગયા છે. જો હાલના સંસદસભ્ય કિરીટ સોમૈયાને લોકસભાની ચૂંટણીમાં આ જ બેઠક પરથી રિપીટ કરાય તો શિવસેનાના હાલના વિક્રોલીના વિધાનસભ્ય સુનીલ રાઉત પણ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતથી બન્ને મિત્રપક્ષો વચ્ચે ફરી ખટરાગ થવાનાં એંધાણ ચૂંટણી સમયે જ થવાની શક્યતા ઊભી થઈ છે. ૨૦૧૬માં BMC ચૂંટણી દરમ્યાન કિરીટ સોમૈયાએ સેનાને લક્ષ્યાંક બનાવ્યા હતા અને એ શિવસૈનિકો ભૂલ્યા નથી.
બીજી તરફ BJPના સ્થાનિક નેતાઓ પણ આ સીટ પરથી સોમૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરે એવું ઇચ્છી રહ્યા છે. સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે ઈશાન મુંબઈની બેઠક પરથી BJP કોઈ પણ સંજોગોમાં ગુજરાતી ઉમેદવારને જ ટિકિટ આપશે.
ADVERTISEMENT
પ્રકાશ મહેતાના નિવેદન પછી હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો શિવસેનાને કિરીટ સોમૈયાની સામે વિરોધ છે તો શું BJP સાથીપક્ષના વિરોધની ઐસીતૈસી કરીને કિરીટ સોમૈયાને જ ટિકિટ આપશે કે પછી અહીંથી બીજા કોઈ ગુજરાતી ઉમેદવારને લડાવશે.
રાજકીય પંડિતોનું માનવું છે કે સોમૈયાની ઉમેદવારી સામેના શિવસેનાના સ્થાનિક નેતાઓના વિરોધના ભાગરૂપે સુનીલ રાઉત આવાં નિવેદનો કરી રહ્યાં છે. ઈશાન મુંબઈની બેઠક સંબંધી બન્ને સાથીપક્ષ વચ્ચેની મડાગાંઠનો જો જલદીથી અંત નહીં આવે તો સ્થાનિક કાર્યકરો અને જનતામાં નકારાત્મક સંદેશ પહોંચશે જેનો લાભ વિપક્ષો ખાટી જાય એવી સંભાવના છે.
શિવસેનાના નેતા સંજય રાઉતના ભાઈ અને વિક્રોલીના વિધાનસભ્ય સુનીલ રાઉતે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક શિવસૈનિક માટે માતોશ્રી મંદિર સમાન છે, પરંતુ સોમૈયાએ વાણીવિલાસ કરીને બોલ્યા હતા કે માતોશ્રીમાં માફિયા ડૉન બેસે છે. શિવસૈનિકો માટે માન, સન્માન અને અભિમાન સમાન માતોશ્રી અને તેમના વડા વિશેની ટિપ્પણીથી અમે નારાજ છીએ અને જો BJP ભૂલથી પણ કિરીટ સોમૈયાને આગામી લોકસભાની ચૂંટણીમાં ઈશાન મુંબઈમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરશે તો હું તેની સામે છઠ્ઠી એપ્રિલે ગૂડીપાડવાના શુભ દિવસે મારી ઉમેદવારી નોંધાવવા જઈશ. અમારો વિરોધ BJPની સામે નથી. સ્થાનિક મરાઠી લોકોનો પણ સોમૈયા સામે વિરોધ છે. અમે નથી ઇચ્છતા કે આના કારણે આગામી લોકસભાની ચૂંટણી પર, કાર્યકરો પર કોઈ નકારાત્મક અસર પહોંચશે.’
આ પણ વાંચો : મુંબઈ: મુખ્ય પ્રધાનના નામે લેડીઝ બાર અને કમિશનરના નામે હુક્કાપાર્લર
ઈશાન મુંબઈના લોકસભાની ચૂંટણીના પ્રભારી અને રાજ્યના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ શિવસેનાના સ્થાનિક નેતાઓની નારાજગી વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલ રાઉતના સ્ટેમેન્ટ વિશે કોઈ પણ કમેન્ટ કરવી એ BJP માટે શોભનીય નથી, પરંતુ ઈશાન મુંબઈમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે કોઈ પણ ગુજરાતી જ હશે. અમે નથી ઇચ્છતા કે શિવસેના-BJPના સ્થાનિક કાર્યકરોના સંબંધો વધુ વણશે. અમે સંબંધ જાળવવાનો પ્રયાસ કરીશું.’