ચમત્કાર પ્રેમનો (લાઇફ કા ફન્ડા)
લાઇફ કા ફન્ડા
રેહાન અને રિયાના પ્રેમલગ્ન થયા, સાથે સંસાર-જીવનનાં ઘણાં સપનાઓ એમણે જોયાં હતાં. લગ્નના પ્રથમ બે વર્ષ તો જાણે પળવારમાં વીતી ગયાં. એક-બીજાના પ્રેમમાં મગ્ન રેહાન અને રિયાના પ્રેમને નજર લાગી. તેમની કારનો અકસ્માત થયો અને રિયાને કરોડરજ્જુમાં એવી ઈજા થઈ કે તે હરી-ફરી શકવા માટે અક્ષમ થઈ ગઈ. ઘણા ઈલાજ કરાવ્યા, ડૉક્ટરોએ રેહાનને કહી દીધું કે તમારી પત્ની હવે કાયમ માટે પથારીવશ જ રહેશે, એમના સાજા થવાના કોઈ ચાન્સ નથી.
ADVERTISEMENT
રેહાને રિયાની ઘણી સેવા કરી, એ તેનું ઘણું ધ્યાન રાખતો, પરંતુ રિયાની અસલામતીની ભાવના દિવસે દિવસે વધતી ગઈ. રેહાને કહ્યું, દિવસ માટે નર્સ રાખીએ. સારી વાત હતી પણ રિયાને ન ગમી. રાત્રે તો રેહાન જ તેનું ધ્યાન રાખતો. આમને આમ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. રિયાની હાલતમાં કોઈ સુધાર ન હતો અને સ્વભાવ ખરાબ થતો જતો હતો. રેહાન સતત પ્રયત્ન કરતો તેને રાજી રાખવાના, પણ એમ થતું નહીં. હવે આવી એકધારી નીરસ જિંદગીના બોજા હેઠળ રહી રેહાન પણ થાક્યો હતો. હવે તો મિત્રો પણ રેહાનને પૂછતાં કે તે આગળ તારી જિંદગી માટે શું વિચાર્યું છે? રેહાન પાસે કોઈ જવાબ ન હતો. રિયાની બીમારી, ચીડિયો સ્વભાવ અને રોજના ઝઘડાથી તે પણ જાણે ઊંડે ઊંડે છૂટવા માગતો હતો.
તેણે તેના પિતાને કહ્યું ‘પપ્પા હું રિયાથી છૂટાછેડા લેવા માગું છું.’ રેહાનના પપ્પ્પા બોલ્યા ‘એ છોકરીને આવી નિઃસહાય હાલતમાં તું છોડી દેશે, બસ આ જ તારો પ્રેમ.’ આટલું બોલતા તેના પપ્પા ઊભા થયા અને એક નાનકડું કુંડું જેમાં એક ગુલાબ ખીલેલો છોડ હતો તે લઈ આવ્યા...પછી બોલ્યા ‘હમણાં ચાર દિવસ પહેલાં ખૂબ તોફાની પવન વાયો હતો તેમાં આ ફૂલની ડાળી છોડથી છૂટી પડી નીચે પડી ગઈ હતી. સવારે મેં તે જોઈ તેને જાળવીને ઉપાડી તૂટી ગયેલા પાન કાઢી નાખ્યા, પછી હલકા હાથે પાણીથી સાફ કરી બરાબર કાપી આ નાના કુંડામાં વાવી દીધી અને તે ફૂલ ફરી ખીલી ઊઠ્યું. આ રહ્યું તારી સામે છે, હવે તું સમજદાર છે તારે જેમ કરવું હોય તેમ કર.’
આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ
રેહાને મનમાં એક નિર્ણય કર્યો. રિયાને માટે મનગમતાં ફૂલ લઈ ઘરે ગયો. તેને વ્હિલચેરમાં બેસાડી ગાર્ડનમાં લઈ ગયો. રોજ સવાર-સાંજ તે રિયાને માલિશ કરતો, કસરત કરાવવા લઈ જતો, થોડું સારું થતાં સ્વીમિંગ કરાવવા લાગ્યો. ધીમે ધીમે રિયાના હાથ-પગમાં જાન આવવા લાગી. થોડા વખતમાં તે વ્હિલચેર છોડી લાકડી પકડી ચાલવા લાગી. એક દિવસ સવારે તે ગાર્ડનમાં મોર્નિગ વૉક માટે ગઈ હતી ત્યાં તેના ડૉક્ટર મળ્યા. રિયાને ચાલતી જોઈ તેઓ બોલી ઉઠ્યા, ‘રિયા તું ચાલી શકે છે, વાહ આ તો ચમત્કાર છે.’ રિયા એટલું જ બોલી, ‘ના આ તો પ્રેમ છે.’