મુંબઈ: મુખ્ય પ્રધાનના નામે લેડીઝ બાર અને કમિશનરના નામે હુક્કાપાર્લર
દેવેન્દ્ર ફડણવીસ
ચકાસણી વિના ઑનલાઇન પ્રમાણપત્રો આપતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નામે લેડીઝ બાર ઍન્ડ રેસ્ટોરાં અને મહાનગરપાલિકાના કમિશનર અજોય મેહતાના નામે હુક્કાપાર્લરની નોંધણીનાં પ્રમાણપત્રો મહાનગરપાલિકાના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યાં હતાં. આ ઘટનાને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કામકાજ પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે.
મુખ્ય પ્રધાનના લેડીઝ બાર ઍન્ડ રેસ્ટોરાં માટે ૦૨, વર્ષા, નેપિયન સી રોડ, મલબાર હિલ, મુંબઈ અને કમિશનરના હુક્કાપાર્લર માટે કૉર્પોરેશનની મેઇન ઑફિસ, બીજો માળ, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા માર્ગ, મુંબઈ આ ઍડ્રેસ સર્ટિફિકેટ પર ૧૦ અને ૧૫ કર્મચારીઓની નોંધ કરાઈ છે. બન્નેને ૨૪ ઑગસ્ટ ૨૦૧૮થી ૨૩ ઑગસ્ટ ૨૦૧૯ આ સમયગાળા દરમ્યાન કરવામાં આવી છે. આ સર્ટિફિકેટ મહાનગરપાલિકાના ડી વિભાગની ઑફિસમાંથી આપવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
ખોટાં લાઇસન્સ મેળવનારાઓ સામે પોલીસ-ફરિયાદ કરાશે
BMCના ગુમાસ્તા લાઇસન્સ વિભાગનાં અધિકારી સુનીતા જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન ગુમાસ્તા ધારા લાઇસન્સમાં આધાર કાર્ડ અને પૅન કાર્ડ તેમ જ એક પાસપોર્ટ ફોટો અને વ્યવસાયનો પ્રકાર તેમ જ ઍડ્રેસ આપવાનાં હોય છે. ત્યાર બાદ ઑટોમૅટિક પ્રક્રિયાથી લાઇસન્સ આપી દેવામાં આવે છે. અમે ખોટા નામથી મેળવેલું લાઇસન્સ કૅન્સલ કરીને આ વિશે પોલીસમાં ફરિયાદ દાખલ કરીશું. એ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’
આ પણ વાંચો : ઈશાન મુંબઈ માટે BJPનો ઉમેદવાર એકાદ દિવસમાં ફાઇનલ
ઉત્તર-મુંબઈ જિલ્લા (દહિસરથી જોગેશ્વરી) શિવસેના વ્યાપારી સંઘટનાના સેક્રેટરી અને કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા જયેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહેરમાં આંતકવાદી પ્રવૃત્તિનો ખતરો ઊભો છે. આવા સંજોગોમાં ગુમાસ્તા ધારાનું લાઇસન્સ ઑનલાઇન ગમે તેને મળી જાય એ ખતરાની નિશાની છે. લાઇસન્સ આપતાં પહેલાં ચેકિંગ કરીને જ આ પ્રકારનું લાઇસન્સ આપવું જોઈએ. ઇન્સ્પેક્ટરરાજ ખતમ કરવા માટે ઑનલાઇન લાઇસન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.’