નોકરીને નામે મહિલાઓને ફસાવતી ગૅન્ગને કુરાર પોલીસે પકડી પાડી
(મિડ-ડે પ્રતિનિધિ) મહિલાઓને નોકરીની જરૂરિયાતનો ફાયદો લઈને કેટરિંગમાં સારા પગારનું કામ આપવાની લાલચ આપીને તેમને ફસાવીને લઈ જવામાં આવતી હતી. તેમ જ જબરજસ્તી કરીને લગ્ન કરાવીને શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જોકે એ બાદ તેમનો છુટકારો કરવા માટે પૈસાની માગણી કરતી આરોપીઓની ટોળકીને કુરાર પોલીસે પકડી પાડી છે. પોલીસે ચાર પુરુષ સહિત બે મહિલાઓની ધરપકડ કરી છે. આરોપીઓ પીડિત મહિલાને ગુજરાત અને રાજસ્થાનમાં જ ફરાવી રહ્યા હતા.
આ સંપૂર્ણ કેસ વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘બે નવેમ્બરના કુસુમ નામની મહિલા પીડિત મહિલાના કુરારમાં આવેલાં ઘરે આવી હતી. કેટરિંગમાં સારા પગારની નોકરી આપવાની વાત કરી હતી. કુસુમે તેને એમ પણ કહ્યું હતું કે તેની પાસે ગુજરાત અને રાજસ્થાનમાં કૅટરિંગનું ભરપૂર કામ છે. પીડિતના પરિવારજનોઅે પણ સારા પગારની વાત સાંભળીને જવા માટે હા પાડી હતી. એ અનુસાર પીડિત મહિલાને પાંચ નવેમ્બરના રાતે સાડા અગિયાર વાગ્યાની ટ્રેનમાં ગુજરાતના કોસંબામાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને ચાર દિવસ રાખવામાં આવી હતી. એ બાદ કુસુમ અને રાજુ નામની વ્યક્તિએ પીડિતને અમદાવાદ રેલવે સ્ટેશને લાવીને વિજય નામની વ્યક્તિ સાથે અમદાવાદના ગોડસામાં રાખવામાં આવી હતી. એ બાદ તે ત્રણેયે મળીને કવિતા નામની મહિલાના ઘરે લઈ ગયા અને ત્યાં પણ બે દિવસ રાખી હતી. પછી બધા મળીને તેને રાજસ્થાનના ઝુનઝુનમાં લઈ ગયા હતા અને ત્યાં એકના ઘરે ૧૦ દિવસ રાખવામાં આવી હતી. એ પ્રવીણ નામની વ્યક્તિ દ્વારા તેને ૩થી ૪ લોકોને દેખાડવામાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવાં પડશે એમ કહ્યું હતું. તેમ જ એમ નહીં કરશે તો તેને વેશ્યા વ્યવસાયમાં ધકેલીશું અથવા જીવથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી. આ પછી ૧૮ નવેમ્બરના ૪૦ વર્ષના મુકેશકુમાર સાથે ઝુનઝુનના એક મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં અને આ વિશે એક વકીલથી સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરાવવામાં આવ્યું હતું.’
વધુમાં પોલીસે ઉમેરતાં કહ્યું હતું કે ‘મુકેશકુમારને પીડિત મહિલાએ તે પરિણીત હોવાથી તેનો પતિ, સંતાનો મુંબઈમાં રહે છે અને મારી સાથે છેતરપિંડી થઈ છે એવું કહ્યું હતું. જોકે મુકેશે તેને કહ્યું કે તારી સાથે હતા એ બધાએ તને બે લાખ રૂપિયામાં વેચી મારી છે. મુકેશે તેની પર શારીરિક શોષણ કર્યું હતું. એક ડિસેમ્બરે ચાન્સ મળતાં મહિલા મુકેશના ઘરમાંથી ભાગી નીકળી હતી પરંતુ લોકોએ તેને જોતાં પકડી ફરી મુકેશને સોંપી હતી. મુકેશે તેની સાથે શોષણ કરવાની સાથે તેની મારપીટ પણ કરી હતી. એ બાદ બે ડિસેમ્બરના વિવેક ઉર્ફે વિક્કીએ પીડિત મહિલાના મુંબઈમાં રહેતા દીકરાના મોબાઈલ પર ફોન કરીને તુમ્હારી ઔરત હમારે પાસ હૈ એવું કહીને તેને પાછી જોઈતી હોય તો બે લાખ રૂપિયા આપી જાવ એવી માગણી કરી હતી. આ વિશે પીડિત મહિલાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસની વિશેષ ટીમ આ વિશે તપાસ કામે લાગી ગઈ હતી.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
પોલીસ તપાસમાં કુસુમના વિશે બધી માહિતી ભેગી કરી હતી. તેમ જ ફરિયાદી પાસે મળેલાં નંબરની બધી માહિતી મેળવી હતી. આવી અનેક માહિતી ભેગી કરીને પોલીસને રાજસ્થાનનું લૉકેશન મળી આવ્યું હતું. એના આધારે પોલીસની ટીમ તાત્કાલિક રાજસ્થાન પહોંચી અને ૪૦ વર્ષની પીડિતા મહિલાનો એક મહિના પછી રાજસ્થાનના ઝુનઝુન જિલ્લામાંથી છુટકારો કરાવીને ૨૨ વર્ષના વિવેક ઉર્ફે વિક્કી રામાનંદ જાંગીડ, ૩૭ વર્ષના મુકેશકુમાર બદ્રિપ્રસાદ જાંગીડ, ૩૩ વર્ષના પરવીનકુમાર લાલચંદ જાંગીડ, ૩૫ વર્ષની કવિતા પ્રતાપ જાધવ ઉર્ફે સલમા અકબર ભટ્ટી, ૩૩ વર્ષના કૃષ્ણ સુમેર કુમાર, ૪૫ વર્ષની કુસુમ ઉર્ફે રેખા રાજુ શિંદે ઉર્ફે રેખા દૌલત નિકમ નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ આ રીતે અનેક મહિલાને શિકાર બનાવી હોવાનો પોલીસનો અંદાજો હોવાથી પોલીસ એ દિશાએ પણ તપાસ કરી રહી છે.’