ગુજરાત સ્થાપના દિવસઃઆજના દિવસે જ મુંબઈથી અલગ થયું હતું ગુજરાત
મહાગુજરાત ચળવળની તસવીર, જેના બાદ થયું ગુજરાતનું નિર્માણ
1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રજવાડાંઓને ભેગા કરી ત્રણ રાજ્યો બનાવ્યા હતા. જે હતા સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. વર્ષ 1953માં સરાકરે દેશમાં રાજ્યોની પુનઃરચના માટે ફઝલ અલીના પ્રમુખ પદે 'રાજ્ય પુનઃ રચના પંચ' બનાવ્યું. જેમણે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને 1955માં સરકારને પોતાનો રીપોર્ટ સોંપ્યો હતો.
કેવી રીત થઈ ગુજરાતની રચના?
રાજ્ય પુનઃ રચના પંચની ભલામણ અનુસાર ભાષાના આધારે રાજ્યોની રચના કરવી જોઈએ, પણ 'બૃહદ મુંબઈ' રાજ્ય દ્વિભાષી હોવું જોઈએ. જો કે, તેમની આ માંગણીને ગુજરાતી અને મરાઠી બોલતા લોકોએ ફગાવી દીધી અને પોતાના અલગ અલગ રાજ્યોની માંગણી કરી.
અલગ રાજ્યોની માંગણી સાથે મહાગુજરાત ચળવળ શરૂ થઈ. 8મી ઑગસ્ટ 1956ના દિવસે કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓએ મોરારજી દેસાઈને મળવા માટે કોંગ્રેસ હાઉસ ગયા. પરંતુ મોરારાજી દેસાઈએ તેમના તરફ ધ્યાન ન આપ્યું અને તેમના પર પોલીસ કાર્રવાઈના આદેશ આપ્યા, જેના પરિણામે 5 વિદ્યાર્થીઓના મોત થયા. આ ઘટના બાદ રાજ્યભરમાં મોટા પાયે દેખાવો શરૂ થયા અને શરૂ થયું મહાગુજરાત આંદોલન.
મોરારજી દેસાઈ
ADVERTISEMENT
સમસ્યા એ હતી કે ગુજરાતી બોલતા લોકોને અલગ રાજ્ય જોઈતું હતું અને મુંબઈ તેમનું પાટનગર. આવી જ માંગણી મહારાષ્ટ્રની પણ હતી. આ આંદોલનમાં પાંચ વર્ષમાં 100થી વધુ લોકોના મોત થયા. અને આંદોલન દિવસે ને દિવસે વધુ જલદ થતું ગયું.
જનતાના આક્રોશ અને આંદોલનને જોતા 1 મે 1960ના દિવસે બે અલગ રાજ્યોની રચના કરવામાં આવી. નહેરૂ સરકારે બોમ્બે સ્ટેટને બે રાજ્યમાં વહેચ્યું, મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત. અને આખરે મુંબઈ મહારાષ્ટ્રના ફાળે ગયો.
આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગૌરવ સમા રત્નોનું સન્માન
ગુજરાતની વિકાસ યાત્રા
1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતની વિકાસયાત્રા વણથંભી રહી છે. વેપાર, ઉદ્યોગ બધા ક્ષેત્રોમાં ગુજરાત અને ગુજરાતીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. દેશને આઝાદી અપાવનાર આપણા ગાંધી ગુજરાતી છે. રજવાડાંઓને એક કરનાર લોખંડી પુરૂષ ગુજરાતી છે અને અત્યારે દેશની ધુરા પણ એક ગુજરાતીના જ હાથમાં છે. ગુજરાત વિકાસ માટે દેશભરમાં રોલ મોડેલ બની ગયું છે.