હાર્દિક નહીં લડી શકે લોકસભા, SCએ તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર
હાર્દિકને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો
ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ તરફથી પણ હાર્દિક પટેલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટ હાર્દિકની સજા માફ કરવાની અરજી ફગાવી દીધી હતી. જે બાદ હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની આ અરજીનો વિરોધ કર્યો હતો.
ચોથી એપ્રિલે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીની તારીખ 4 એપ્રિલ નિયત કરી છે. મહત્વનું છે કે ચાર એપ્રિલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આમ, હાર્દિકનું લોકસભા લડવાનું સ્વપ્ન તૂટતું દેખાઈ રહ્યું છે.
શું છે મામલો?
2015માં પાટીદાર અનામન આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વિસનગરના તત્કાલિન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદન આપવા ગયા હતા. આ દરમિયાન તેમની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે વિસનગર પોલીસે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ નોંધ્યો હતો. વિસનગરની કોર્ટમાં આ કેસ ચાલતા કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના લોકોને 2 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમની સજા પર સ્ટે આપવામાં આવે. જો કે આ અરજી હાઈકોર્ટે ફગાવી. જે બાદ હાર્દિક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે હાર્દિકને અહીંથી પણ કોઈ જ રાહત નથી મળી રહી.
આ પણ વાંચોઃ ચૂંટણી લડવા માટે હાર્દિકે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા, 3 દિવસનો સમય બાકી
ADVERTISEMENT
કોંગ્રેસનું સ્વપ્ન રોળાયું
હાર્દિક પટેલ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસની ઈચ્છા હાર્દિક પટેલને ટિકિટ આપવાની હતી. જો કે હવે કોંગ્રેસની આ ઈચ્છા મનમાં જ રહી જશે એવું લાગી રહ્યું છે.