એક મહિના સુધી દાંતા–અંબાજી સ્ટેટ હાઇવે બંધ રહેશે
અંબાજી મંદિર
દર્શન કરવા માટે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી જતાં હોવ તો જરા ધ્યાન આપજો. કેમકે આખા ડિસેમ્બર મહિના માટે દાંતાથી અંબાજી જતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવશે. અંબાજી જતા માર્ગમાં આવતા ત્રિશૂળિયા ઘાટ પર થતા અકસ્માત ટાળવા માટે આ હાઇવે પર આવેલા ઘાટ પર પ્રોટેકશન વૉલ બનશે અને રસ્તો પહોળો કરવામાં આવશે.
રોડ માર્ગે દાંતાથી અંબાજી જવા માટેના હાઇવે પર આવતા ત્રિશૂળિયા ઘાટ સહિતના વિસ્તારના અંદાજે વીસેક કિલોમિટરના ડુંગરાળ રસ્તા પર નાના મોટા અંદાજે ૨૫થી વધુ વળાંકો આવેલા છે. રસ્તો વળાંકવાળો હોવા ઉપરાંત ઢોળાવ આવે છે જેના કારણે આ રસ્તો જોખમી છે અને આ રસ્તા પર વખતોવખત વાહન અકસ્માતો થતા આવ્યા છે ત્યારે ત્રિશૂળિયા ઘાટ વિસ્તારમાં થતા વાહન અકસ્માતો નિવારવા માટે પ્રોટેકશન વૉલ તેમ જ રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કરી છે. પહાડી વિસ્તારમાં પહોળા થઈ રહેલા રસ્તા પર આવતા કેટલાક પહાડોના ભાગને પણ કાપવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ રસ્તો અકસ્માત સંભવિત હોવાથી અંબાજી જવા માટે વાહનવ્યવહાર પાલનપુર તેમ જ હડાદના માર્ગે ડાઇવર્ટ કરવામાં આવશે. બનાસકાંઠાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સંદીપ સાગલેએ તા. ૧થી ૩૧ ડિસેમ્બર સુધી દાંતા–અંબાજી સુધીનો રસ્તો બંધ કરીને આ રસ્તા પરનો વાહનવ્યવહાર પાલનપુર–ચિત્રાસણી–બાલારામ–વિરમપુર થઈને અંબાજી જવા તેમ જ દાંતા–સનાલી–હડાદ થઈ અંબાજીના રસ્તા પર ડાઇવર્ટ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.