ઘાટકોપર સ્ટેશનની થશે કાયાપલટ
ઘાટકોપર રેલવે-સ્ટેશન
ઘાટકોપર રેલવે-સ્ટેશનના એલિવેટેડ ડેકનું બાંધકામ આવતા એકાદ મહિનામાં શરૂ કરવામાં આવશે એવું સંસદમાં ઈશાન મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા બીજેપીના નેતા મનોજ કોટકે જણાવ્યું હતું. ઘાટકોપર સ્ટેશનના પ્લૅટફૉર્મ્સ પર વારંવાર ત્રતા અકસ્માતોને કારણે એલિવેટેડ ડેકની જરૂરિયાત વિશે ‘મિડ-ડે’માં ૨૦૧૯ની ૩૦ ઑગસ્ટે અને ત્યાર પછી પ્રકાશિત અહેવાલોની નોંધ મનોજ કોટકે લીધી હતી. ત્યાર પછી કોટકે એ બાબતની રજૂઆત રેલવે ખાતાના પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ કરી હતી. મધ્ય રેલવે અને મુંબઈ રેલ વિકાસ નિગમના અધિકારીઓ સાથે મીટિંગમાં આવતા અઠવાડિયે ઉક્ત એલિવેટેડ ડેકનું બાંધકામ શરૂ થવાનું હોવાના સમાચાર મળ્યા હોવાનું મનોજ કોટકે જણાવ્યું હતું.
વર્લ્ડ બૅન્કે ફાળવેલા ભંડોળથી કાર્યરત મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટના ભાગરૂપે ૯૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈનાં ૧૯ સબર્બન રેલવે-સ્ટેશનોના અપગ્રેડેશનની યોજના હાથ ધરવામાં આવી છે. એ યોજના અંતર્ગત ઘાટકોપર રેલવે-સ્ટેશનના ડેક અને અપગ્રેડેશનનું કાર્ય પણ હાથ ધરવામાં આવશે. મનોજ કોટકની રજૂઆતને પગલે ઘાટકોપર રેલવે-સ્ટેશન પર સુધારા-વધારા અને ડેક બાંધવા બાબતે વિચારણા કરીને કાર્યવાહી શરૂ કરવાનો આદેશ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે ૨૦૧૯ની ૧૩ સપ્ટેમ્બરે એક સાર્વજનિક કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓને આપ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ઘાટકોપર રેલવે-સ્ટેશને બાંધકામ માટે જગ્યાનો અભાવ મુખ્ય સમસ્યા છે. એ સ્થિતિમાં કામ વેગપૂર્વક આગળ વધારવાની પણ જરૂરિયાત છે. એથી યુરોપિયન પાઇલિંગ મશીન્સનો વપરાશ કરવાની વિચારણા અમે કરીએ છીએ.’